મુંબઇ: ભારતી ઇન્ફ્રાટેલ અને ઈન્ડસ ટાવરનું મર્જર થતા આ કંપની દુનિયાની સૌથી મોટી ટેલિકોમ ટાવર કંપની બની જશે, જેની કિંમત ૯૬૫ અબજ રૂપિયા થઇ જશે. નવી કંપની દેશમાં ૨૨ સર્કલમાં કાર્યરત રહેશે. કંપની પાસે ૧,૬૩,૦૦૦ ટાવર હશે. મર્જરના સોદામાં ઇન્ડસ ટાવરની કિંમત ૭૧૫ અબજ રૂપિયાની લગાવવામાં આવી છે.
કંપનીમાં એરટેલ અને વોડાફોનની ૪૨-૪૨ ટકાની ભાગીદારી છે. આ સિવાય આઇડિયા સેલ્યુલરની ૧૧.૧૫ ટકા, જ્યારે પ્રોવિડેન્સની ૪.૮૫ ટકા ભાગીદારી છે. આઈડિયા પોતાની પૂરી ભાગીદારી ૬૫ અબજ રૂપિયામાં વેચી શકે છે અથવા તો મર્જર બાદ બનનારી કંપનીમાં નવા શેર લઇ શકે છે.
વોડાફોન ઇન્ડસ ટાવરમાં પોતાની હિસ્સેદારીના બદલામાં ૭૮.૩૧ કરોડના નવા શેર બહાર પાડી શકે છે, જ્યારે પ્રોવિડેન્સની પાસે પોતાની ૩.૩૫ ટકાની ભાગીદારી માટે રોકડ અથવા શેર પ્રાપ્ત કરવાનો વિકલ્પ રહેશે. મર્જરની પ્રક્રિયા નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષમાં પૂરી થવા સંભાવના છે.