અમરામ (AMRAAM) ડીલ: અમેરિકા તરફથી પાકિસ્તાનને ઘાતક મિસાઇલો, ટ્રમ્પની નિકટતાનું મળ્યું ઇનામ?
આ ડીલથી પાકિસ્તાનની વાયુ શક્તિને મળશે મોટો વેગ, ભારત માટે નવો પડકાર
અમેરિકા ટૂંક સમયમાં જ પાકિસ્તાનને આધુનિક AIM-120 AMRAAM (એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ) આપવા જઈ રહ્યું છે. આ સોદો અમેરિકાના સંરક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા વિદેશી સૈન્ય વેચાણ કાર્યક્રમ (Foreign Military Sales Program) હેઠળ કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાનને સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યું છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ સોદાથી પાકિસ્તાનની વાયુસેનાની તાકાતમાં ઘણો વધારો થશે. ખાસ કરીને તેમના હાલના F-16 ફાઇટર જેટ કાફલાની ઓપરેશનલ રેન્જ અને ટાર્ગેટિંગ ક્ષમતામાં જબરદસ્ત સુધારો જોવા મળશે.
શું છે AMRAAM મિસાઇલની વિશેષતા?
AIM-120 AMRAAM એક આધુનિક એર-ટુ-એર મિસાઇલ છે, જેને Beyond Visual Range (BVR) યુદ્ધ માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આ મિસાઇલો દુશ્મનના વિમાનોને લાંબા અંતરથી જ નિશાન બનાવી શકે છે.
હાલમાં પાકિસ્તાન પાસે તેનું C5 વર્ઝન છે, પરંતુ નવી ડીલ હેઠળ તેને C8 અને D3 વર્ઝન મળવાની સંભાવના છે, જે વધુ સચોટ અને લાંબા અંતર સુધી માર કરવામાં સક્ષમ છે.
AIM-120D-3, આ મિસાઇલ પરિવારનું સૌથી એડવાન્સ્ડ વર્ઝન છે, જે દુશ્મનના લડાકુ વિમાન ઉપરાંત હવાઈ મિસાઇલના જોખમોને પણ સમયસર નિષ્ક્રિય કરી શકે છે.
ટ્રમ્પ સાથેના સંબંધોની અસર?
ભારત-પાક સંઘર્ષ પછી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં ફરીથી ગરમાહટ જોવા મળી રહી છે. પાક પીએમ શહબાઝ શરીફ અને ISI પ્રમુખ મુનીરની અમેરિકા મુલાકાત, ટ્રમ્પ સાથેની મુલાકાતો અને દુર્લભ ખનીજોને લઈને થયેલી ડીલ્સને આ સૈન્ય સહયોગ સાથે જોડવામાં આવી રહી છે.
ઘણા વિશ્લેષકોનું માનવું છે કે આ સોદો ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના ગાઢ સંબંધોનું પરિણામ હોઈ શકે છે. ટ્રમ્પના નજીકના વલણને કારણે પાકિસ્તાનને આ વ્યૂહાત્મક ઇનામ મળ્યું છે.
ભારત માટે શું અર્થ?
ભારતે તાજેતરના વર્ષોમાં પોતાના હવાઈ કાફલાને આધુનિક બનાવવા માટે રાફેલ, S-400, અને સ્વદેશી તેજસ જેવા પ્લેટફોર્મ પર ભાર મૂક્યો છે. પરંતુ પાકિસ્તાનને મળી રહેલી આ આધુનિક AMRAAM મિસાઇલો ભારત માટે એક નવી સુરક્ષા ચેલેન્જ બની શકે છે.
ખાસ કરીને આ સોદો બાલાકોટ સ્ટ્રાઇક અને ત્યારબાદ થયેલી હવાઈ અથડામણના સંદર્ભમાં મહત્વપૂર્ણ બની જાય છે, જેમાં પાકિસ્તાને AMRAAMનો ઉપયોગ કર્યો હતો.
અમેરિકા-પાક ડીલથી પાકિસ્તાનની વાયુસેનાને તકનીકી ધાર મળી શકે છે, પરંતુ તેનાથી દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન પર અસર પડી શકે છે. ભારતે પોતાની વ્યૂહાત્મક તૈયારીઓને વધુ મજબૂત કરવાની જરૂર છે.