ગુજરાતમાં આવકવેરાના લક્ષ્યાંક ૧,૧૯,૪૦૦ કરોડ સામે અત્યાર સુધી કલેકશન ૬૧૧૮૪ કરોડ
ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ૫૬૫૧ કરોડ રિફંડ અપાયું: ટેક્સપેયર્સના વિવિધ જગ્યાએથી ફાઇલિંગ ડેટા મળે છે, જેના આધારે ટેક્સ નથી ભર્યો તેની જાણ થાય છે
અમદાવાદ : વડોદરામાં આવકવેરા વિભાગ દ્વારા યોજાયેલા ટેક્સપેયર્સ હબમાં ઉપસ્થિત રહેલા આવકવેરા વિભાગના ગુજરાતના પ્રધાન મુખ્ય આવકવેરા કમિશનર સતીષ શર્માએ પત્રકારો સાથેની અનૌપચારિક વાતચીતમાં કહ્યું હતું કે ગુજરાતનો વર્ષ ૨૦૨૫-૨૬નો આવકવેરાનો લક્ષ્યાંક ૧,૧૯,૪૦૦ કરોડ છે, જેની સામે સપ્ટેમ્બર સુધીમાં ૬૧૧૮૪ કરોડનું કલેકશન થઈ ચૂક્યું છે, અને ૪૬.૫૧ ટકા ટાર્ગેટ હાંસલ થઈ ચૂક્યો છે.
તેમનું કહેવું હતું કે ૬૧૧૮૪ કરોડના કલેકશનમાંથી ૫૬૫૧ કરોડનું રિફંડ અપાયું છે
અને ૫૫૫૩૩ કરોડ ચોખ્ખી આવક પ્રાપ્ત થઈ છે. ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધીમાં ૨૦.૮૪ ટકા ગ્રોથ થયો છે. એક સવાલના પ્રત્યુત્તરમાં તેમનું કહેવું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં દેશનો આવકવેરાનો ટાર્ગેટ ૨૫,૨૦,૦૦૦ કરોડનો છે. જેની સામે ૧૨,૪૩,૧૦૬ કરોડનું કલેકશન થયું છે. રિફંડ બાદ કરતા ૧૦,૮૨,૫૭૮ કરોડ વેરાની ચોખ્ખી આવક થઇ છે અને લક્ષ્યાંક ૪૨.૯૫ ટકા સપ્ટેમ્બર સુધીમાં સિધ્ધ થઇ ચૂક્યો છે.ગુજરાતમાં ગત વર્ષે આવકવેરાનો લક્ષ્યાંક ૧.૦૫ લાખ કરોડ હતો, જેની સરખામણીએ આ વર્ષે ટાર્ગેટ ૧.૧૯ લાખ કરોડ મૂક્યો છે. ગુજરાતમાં આજની સ્થિતિએ ૧.૩૪ કરોડ કરદાતા નોંધાયા છે. સરકારે આ વર્ષથી ૧૨ લાખ ટ્ટ સુધીની વાર્ષિક આવક સુધી ટેક્સ નથી લાધ્યો છતાં પણ વેરાની આવકમાં ગ્રોથ નોંધાઇ રહ્યો છે. તેમનું કહેવું હતું કે અગાઉ આવકવેરા વિભાગ પહેલા તપાસ કરતું હતું અને બાદમાં કરદાતા પર વિશ્વાસ મૂકતો હતો, પરંતુ વિભાગના અભિગમમાં બદલાવ આવ્યો છે.
વિભાગ હવે કરદાતા પર પહેલા વિશ્વાસ પહેલા મૂકે છે અને તપાસ પછી કરે છે. આ અભિગમને કારણે કરદાતા વિશ્વાસમાં ખરો ઉતરશે. લોકો ટેક્સ ભરતા થયા છે. આમ પણ કરદાતાના આવકવેરા વિભાગને વિવિધ જગ્યાએથી અસંખ્ય ફાઇલિંગ ડેટા મળે છે. જેના આધારે અમારૂં નેટવર્ક અને સિસ્ટમ શોધી કાઢે છે કે કરદાતાએ વેરો ભર્યો નથી. જેથી વિભાગ દ્વારા રોજ મોટી સંખ્યામાં એસએમએસ અને ઇએમ પાઠવવાનું ચાલુ છે.
જીએસટી આઈટી વિભાગને નિયમિત ડેટા મોકલતું રહે છે
રાજકીય પાર્ટીઓને ડોનેશન આપનારાઓને પણ એસએમએસ અને ઈમેલ મોકલાતા રહે છે. વિભાગને જીએસટી ડેટાનું શેરિંગ નિયમિત થતું રહે છે. જીએસટીમાં જે તે કરદાતાના ડેટા ખૂબ મોટા જોવા મળે છે, જ્યારે બીજીબાજુ આઈટી રિટર્ન ભરેલું નથી હોતું, તો તેના આધારે પણ પકડી પાડવામાં આવે છે, એમ સતીષ શર્માનું કહેવું છે.