“તૈયારી શરૂ કરો, ઇડરમાં ‘વિસાવદરવાળી’ થશે! રમણલાલ વોરાનો બળવો, સરકાર સામે વિરોધના સૂર
ગુજરાત ભાજપના રાજકારણમાં એક મોટો ભૂકંપ આવ્યો છે. પક્ષના અતિ વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરાએ પોતાની જ સરકાર અને સંગઠન સામે બળવાખોર સૂર અપનાવ્યો છે. ઈડરથી ચૂંટાયેલા વોરાએ જાદર તાલુકાની રચના ન થવાના મુદ્દે પક્ષના આંતરિક સોશિયલ મીડિયા ગ્રુપમાં ઉશ્કેરણીજનક મેસેજ કરીને હલચલ મચાવી દીધી છે.
તેમણે કાર્યકરોને સીધો સંદેશ આપ્યો છે કે, “તૈયારી શરૂ કરો, ઇડરમાં ‘વિસાવદરવાળી’ થશે.” આ સંદેશ પક્ષ વિરોધી પ્રવૃત્તિનો સ્પષ્ટ સંકેત આપે છે અને રાજ્યના રાજકારણમાં મોટા ઉલટફેરના એંધાણ આપે છે.
બળવાખોરીનું કારણ: જાદર તાલુકાની જાહેરાત નહીં
રમણલાલ વોરા, જે સામાન્ય રીતે સંગઠન અને સરકારના સમર્થનમાં જોવા મળતા હતા અને લાંબા સમયથી પક્ષના વફાદાર નેતા ગણાતા હતા, તેઓ હાલમાં જાદરને નવો તાલુકો જાહેર ન થતા અસંતોષિત દેખાઈ રહ્યા છે.
શું છે ‘વિસાવદરવાળી’નો અર્થ?
સોશિયલ મીડિયા ગ્રુપમાં વાયરલ થયેલા સ્ક્રીનશોટમાં રમણલાલ વોરાએ લખ્યું છે કે, જો રાજ્ય સરકાર દ્વારા જાદર તાલુકાની સત્તાવાર જાહેરાત કરવામાં નહીં આવે, તો તેઓ ‘વિસાવદરવાળી’ કરી શકે છે.
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં ‘વિસાવદરવાળી’ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે પક્ષની મરજી વિરુદ્ધ કે નારાજગીને કારણે સ્વતંત્ર ઉમેદવારી કરીને ચૂંટણી લડવા માટે થાય છે. આ શબ્દ સૂચવે છે કે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે, તો વોરા આગામી ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોર (રીબેલ) ઉમેદવાર તરીકે ઊભા રહી શકે છે.
વરિષ્ઠ નેતાનો બળવો: ભાજપ માટે ચિંતાનો વિષય
રમણલાલ વોરા ભાજપના માત્ર એક ધારાસભ્ય નથી, પરંતુ પક્ષના સ્થાપના કાળથી જોડાયેલા અને પૂર્વ મંત્રીમંડળમાં મહત્ત્વપૂર્ણ ખાતાઓ સંભાળી ચૂકેલા વરિષ્ઠ નેતા છે. તેમના દ્વારા ખુલ્લેઆમ સરકાર સામે બળવો પોકારવો એ સંગઠન અને ભાજપના મોવડીમંડળ માટે ગંભીર ચિંતાનો વિષય છે.
સ્થાનિક રાજકીય નિરીક્ષકો માને છે કે વોરાનો આ મેસેજ માત્ર એક ધમકી નથી, પરંતુ ઇડર વિસ્તારના સ્થાનિક રાજકારણમાં તેમની પકડ અને તેમના સમર્થકોના અસંતોષને દર્શાવે છે. જો રમણલાલ વોરા ખરેખર બળવો કરે, તો ઇડર વિધાનસભા બેઠક પર ભાજપને મોટું નુકસાન થઈ શકે છે, જે આવનારી ચૂંટણીઓમાં પક્ષ માટે મોટો પડકાર બની શકે છે.
હાલમાં, આ ઉશ્કેરણીજનક મેસેજ વાયરલ થયા બાદ ભાજપના આંતરિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે ભાજપનું મોવડીમંડળ વરિષ્ઠ ધારાસભ્ય રમણલાલ વોરાની આ નારાજગીને કેવી રીતે દૂર કરે છે અને જાદર તાલુકાની રચના અંગે કેવો નિર્ણય લે છે.