વિયેતનામમાં બેવડી આફત: ‘બુઆલોઈ’ના ઘા હજી ભરાયા નથી ત્યાં ‘મતમો’એ મચાવ્યો હાહાકાર.
વિયેતનામમાં બુઆલોઈ વાવાઝોડા પછી હવે મતમો (Matmo) ટાયફૂનનો પ્રકોપ જોવા મળ્યો છે. મતમોને કારણે થયેલા ભારે વરસાદ અને પૂરથી આઠ લોકોનાં મોત થયાં છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
વિયેતનામના ડિઝાસ્ટર એન્ડ ડાઈક મેનેજમેન્ટ ઓથોરિટીએ બુધવારે આ માહિતી શેર કરી હતી. એજન્સીએ જણાવ્યું કે ૧૫,૭૦૦થી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા અને ૪૦૦થી વધુને નુકસાન થયું, જ્યારે ૧૪,૬૦૦ હેક્ટરથી વધુ ડાંગર (ચોખા) અને અન્ય પાક બરબાદ થઈ ગયો.
અહેવાલ મુજબ, ઉત્તરીય પર્વતીય અને ઉત્તર-મધ્ય પ્રાંતોમાં ૬૦૨ સ્થળોએ પૂર, ભૂસ્ખલન અને ટ્રાફિક જામ થવા સાથે જ ૯૭,૦૦૦થી વધુ પશુધન અને મરઘાં મૃત્યુ પામ્યા અથવા પાણીમાં તણાઈ ગયા હતા. અહેવાલ મુજબ, મંગળવારે વિયેતનામના વડા પ્રધાન ફામ મિન્હ ચિન્હે અચાનક પૂર અને ભૂસ્ખલનને રોકવા તથા અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની હાકલ કરી હતી.
વિયેતનામનું ૧૧મું ટાયફૂન
અહેવાલ મુજબ, અગાઉ ૭ ઓક્ટોબરે ઉત્તરી વિયેતનામના લાંગ સોન પ્રાંતમાં બૅક ખે ૧ જળવિદ્યુત ડેમનો એક ભાગ તૂટી ગયો હતો.
ટાયફૂન મતમો આ વર્ષે વિયેતનામને અસર કરનારું ૧૧મું ટાયફૂન છે. પરિસ્થિતિને સ્થિર કરવા અને વધુ નુકસાન અટકાવવા માટે પોલીસ, સેના અને બચાવ ટુકડીઓ સહિતની ઈમરજન્સી ટીમો તૈનાત કરવામાં આવી હતી.
ચીનમાં પણ તબાહી
મતમોએ વિયેતનામની સાથે-સાથે ચીનમાં પણ તબાહી મચાવી છે. ૬ ઓક્ટોબરે, ટાયફૂન મતમોએ દક્ષિણ ચીનના ગુઆંગ્સી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્રમાં પણ દસ્તક આપી હતી.
ટાયફૂન મતમોને કારણે ફૂંકાયેલા ભારે પવનો અને ભારે વરસાદે બેઇહાઈ, કિનઝોઉ અને ફાંગચેંગગાંગ શહેરને ખાસ કરીને અસર કરી હતી. મ્યુનિસિપલ ઇમરજન્સી મેનેજમેન્ટ બ્યુરોના જણાવ્યા અનુસાર, સોમવાર સુધીમાં, વાવાઝોડાએ બેઇહાઈમાં ૧૦,૫૬૧ લોકોને અસર કરી હતી, જેમાંથી ૧૦,૦૦૩ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને લગભગ ૩,૪૦૦ હેક્ટર પાક નાશ પામ્યો હતો.