AI ટૂલ્સથી બદલાઈ જશે ભણવાની રીત, શિક્ષણની ગુણવત્તામાં આવશે ક્રાંતિકારી સુધારો.
દેશની મોટી યુનિવર્સિટીઓ અને કૉલેજો હવે ઝડપથી AI ટૂલ્સને અપનાવી રહી છે. તેનાથી માત્ર શિક્ષણની ગુણવત્તામાં સુધારો નથી થઈ રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓનો અનુભવ પણ બદલાતો જાય છે.
આજે આપણે એક એવા સમયમાં છીએ જ્યાં ટેક્નોલોજી આપણા જીવનનો એક ભાગ બની ચૂકી છે. પછી ભલે તે હેલ્થ, બેન્કિંગ કે શિક્ષણ હોય, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી (AI) એ દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી છે. તે હવે માત્ર વિજ્ઞાન ફિક્શનની વસ્તુ નથી રહી, પરંતુ હવે તે આપણા ક્લાસરૂમ, શિક્ષણ સામગ્રી અને મૂલ્યાંકન પ્રણાલીનો ભાગ બની ચૂકી છે. ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી પણ આ બદલાવથી પાછળ રહી નથી.
દેશની યુનિવર્સિટીઓ અને કૉલેજો હવે ઝડપથી AI ટૂલ્સને અપનાવી રહી છે. તેનાથી માત્ર ગુણવત્તાયુક્ત શિક્ષણમાં સુધારો નથી થઈ રહ્યો, પરંતુ વિદ્યાર્થીઓનો અનુભવ પણ વધુ વ્યક્તિગત (Personal) અને બુદ્ધિશાળી બનતો જાય છે. તાજેતરમાં આવેલા Ernst & Young-Parthenon અને FICCI ના એક અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ઘણી મોટી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ AI ને અપનાવવામાં આગળ નીકળી ગઈ છે. તો ચાલો, જાણીએ આ નવા રિપોર્ટમાં શું જણાવવામાં આવ્યું છે અને કેવી રીતે ભારતની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી બદલાઈ રહી છે.
AI નો વધતો પ્રભાવ
આ રિપોર્ટનું શીર્ષક “ફ્યુચર રેડી કેમ્પસીસ: અનલોકિંગ ધ પાવર ઓફ એઆઈ ઇન હાયર એજ્યુકેશન” છે. તેમાં દેશની 30 મોટી યુનિવર્સિટીઓ અને કૉલેજોનો અભ્યાસ કરવામાં આવ્યો, જેનાથી એ જાણવા મળ્યું કે ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ AI નો કેટલો અને કયા પ્રકારનો ઉપયોગ કરી રહી છે.
રિપોર્ટના મુખ્ય તારણો:
- 50% થી વધુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શિક્ષણ સામગ્રી તૈયાર કરવા માટે AI આધારિત ટૂલ્સનો ઉપયોગ કરી રહી છે.
- 60% સંસ્થાઓ વિદ્યાર્થીઓને તેમના પ્રોજેક્ટ્સ અને અસાઇનમેન્ટ્સમાં AI ટૂલ્સના ઉપયોગની મંજૂરી આપી રહી છે.
- 56% સંસ્થાઓએ AI સંબંધિત નીતિઓ પહેલેથી જ લાગુ કરી દીધી છે.
- 40% કૉલેજો અને યુનિવર્સિટીઓ AI આધારિત ચેટબોટ્સ અને ટ્યુટરિંગ સિસ્ટમ્સનો ઉપયોગ કરી રહી છે.
- 39% સંસ્થાઓએ અનુકૂલનશીલ શિક્ષણ પ્લેટફોર્મ (Adaptive Learning Platforms) અપનાવ્યા છે.
- 38% સંસ્થાઓ પરીક્ષાની કૉપીઓની ઓટોમેટિક તપાસ (Automated Grading) નો ઉપયોગ કરી રહી છે.
કેવી રીતે બદલાઈ રહી છે ઉચ્ચ શિક્ષણ પ્રણાલી?
રિપોર્ટ અનુસાર, AI નો ઉપયોગ માત્ર એક-બે જગ્યાએ નહીં, પરંતુ શિક્ષણના અનેક ભાગોમાં કરવામાં આવી રહ્યો છે, જેમ કે:
- વ્યક્તિગત અને સ્માર્ટ લર્નિંગ સિસ્ટમ: વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ શિક્ષણ આપવું.
- પ્લેજરિઝમ ડિટેક્શન: એટલે કે નકલ પકડવાની ટેકનિક.
- કરિઅર માર્ગદર્શન અને અભ્યાસક્રમ ડિઝાઇન કરવો.
- AI આધારિત ચેટબોટ્સ: જે વિદ્યાર્થીઓની ક્વેરીનો જવાબ તરત આપી શકે અને અભ્યાસ સામગ્રી જાતે બનાવી શકે.
જોકે, જેમ જેમ AI નો ઉપયોગ વધી રહ્યો છે, તેમ તેમ ડેટા પ્રાઇવસીની ચિંતા પણ વધી રહી છે. AI સિસ્ટમ્સ સામાન્ય રીતે વિદ્યાર્થીઓની માહિતી જેમ કે સબમિશન ડેટા, બાયોમેટ્રિક માહિતી અને ઑનલાઇન એક્ટિવિટીનો સંગ્રહ કરે છે. આનાથી ડેટા લીક અને ગોપનીયતાના ભંગનું જોખમ વધે છે.
રિપોર્ટની ભલામણો
આ રિપોર્ટમાં એવી ભલામણ કરવામાં આવી છે કે:
- તમામ અભ્યાસક્રમોમાં AI સાક્ષરતા (AI Literacy) ને જોડવામાં આવે.
- STEM ના વિદ્યાર્થીઓને મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને રોબોટિક્સ જેવા એડવાન્સ વિષયો પણ શીખવવાની સલાહ આપવામાં આવી છે.
રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો ભારતે AI નો યોગ્ય રીતે લાભ ઉઠાવવો હોય, તો AI ને શિક્ષણ અને વહીવટીતંત્રના દરેક ભાગમાં સામેલ કરવું પડશે, મજબૂત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવું પડશે, શિક્ષકોને AI ટૂલ્સની તાલીમ આપવી પડશે અને ગવર્નન્સ ફ્રેમવર્ક બનાવવું પડશે.