રાજસ્થાનના હનુમાનગઢમાં ન્યાય ન મળવાને કારણે બળાત્કાર પીડિતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. 16 દિવસ પહેલા પીડિત મહિલા ન્યાયની રાહમાં બે દિવસથી એસપી ઓફિસ સામે ધરણા પર બેઠી હતી.
પીડિતાનો આરોપ છે કે પોલીસ તેની વાત સાંભળતી નથી. પીડિત મહિલાએ વિજળી વિભાગના અધિકારી પર લગ્નના બહાને રેપ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીડિત મહિલાએ કહ્યું હતું કે જૈન રામગોપાલ લગ્નના બહાને તેનું સતત શોષણ કરતો હતો. તેણે લગ્નની વાત કરી તો અધિકારીએ ના પાડી.
આ પછી મહિલાએ આરોપી અધિકારી વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો, પરંતુ ઘણો સમય થવા છતાં કોઈ સુનાવણી થઈ ન હતી. પીડિતાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે પણ તેની સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેના પર સમાધાન માટે દબાણ કરવામાં આવ્યું હતું.
જ્યારે પીડિતા ન્યાયની માંગણી સાથે એસપી ઓફિસની બહાર ધરણા પર બેઠી, ત્યારે પોલીસ અધિકારીઓએ ખાતરી આપી હતી કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. લાંબા સમય બાદ પણ આરોપીની ધરપકડ ન થતાં પીડિતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
જ્યારે પીડિતા ધરણા પર બેઠી હતી, ત્યારે એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (એએસપી) નીલમ ચૌધરીએ પણ કહ્યું હતું કે આ કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીડિતા હનુમાનગઢ જિલ્લાની રહેવાસી હતી.
મહિલા વીજળી વિભાગના અધિકારી રામ ગોપાલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. જોકે મહિલાના પહેલા લગ્ન થયા હતા અને તેને એક બાળક પણ હતું, પરંતુ તેણે રામ ગોપાલ સાથે બીજી વખત લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આરોપી રામ ગોપાલે પણ ખાતરી આપી હતી કે તે લગ્ન કરશે. આ દરમિયાન તેમના સંબંધો પણ વિકસ્યા હતા. પરંતુ જ્યારે રામ ગોપાલના લગ્ન બીજે નક્કી થઈ ગયા ત્યારે મહિલા તેની સામે કેસ કરવા પોલીસ સ્ટેશન ગઈ હતી.
હવે આ મામલે નવો વળાંક આવ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પીડિતાએ થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશનમાં કેસ બંધ કરવા માટે અરજી કરી હતી, જેમાં સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. જો પોલીસે સમયસર કાર્યવાહી કરી હોત તો પીડિત મહિલાનો જીવ બચી શક્યો હોત.