ખેડૂતો લડી લેશે..! હવે કચ્છના દરેક ગામમાં ભાજપના કાર્યક્રમ થશે વિરોધ
ભારતીય કિસાન સંઘ કચ્છ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં 9 જેટલી વિવિધ માગોના તાત્કાલિક નિવારણ માટે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. અને આગામી 16 તારીખથી કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાનના નેજા હેઠળ આ લડત શરૂ કરશે.
કચ્છ જિલ્લામાંથી વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ ટાવર લાઈનો ખેડૂતોની માલિકીની જમીનમાંથી પસાર કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોને કોઈપણ જાતનો વિશ્વાસ આપ્યા વગર ભારે મશીનો ઉભા પાકમાં નાખવામાં આવે છે અને પોલીસનો ડર બતાવીને કામ કરવામાં આવે છે. અને કોઈપણ જાતની વળતર નક્કી કર્યા વગર કલેકટરશ્રીના હુકમને આગળ ધરીને જંત્રી મુજબનો વળતર બતાવવામાં આવે છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે ખેડૂતોને બજાર કિંમત મુજબ વળતર ચૂકવવું જોઈએ
ઉપરાંત નર્મદાના વધારાના એક મિલિયન એકર ફૂટ પાણી 2006 માં સૈદ્ધાંતિક મંજૂર આપેલ ત્યારબાદ અનેક વખત રજૂઆતો કરવામાં આવી ત્યારે ચાર લિંક કેનાલની વહીવટી મંજૂરી આપવામાં આવી અને હાલ તે કામ ગોકળગતીએ ચાલુ છે તેમાં ગતિ લાવવામાં આવે તે પણ જરૂરી છે.
તો સાથે જ અમુક વીજ ફીડરોમાં સ્કાય યોજના અમલમાં આવી તેમાં કૌશલ કંપની દ્વારા કામ કરવામાં આવેલ છે. તેનું કામ તદ્દન નિષ્ફળ ગયેલ છે. તે યોજના હકીકતે ખેડૂતો ઉપર બોજ બની છે. અને મસમોટા વીજબીલ લાખોમાં આપેલ છે. તો આવી કિસાન વિરોધી કંપનીઓને બેન્ડ કરવા માગ કરાઇ છે.
આમ ભારતીય કિસાન સંઘ દ્વારા આજે લડતના મંડાણ સાથે આહવાન કરવામાં આવ્યું છે કે જો સરકાર 35 દિવસમાં આ માગોને હલ નહિ કરે તો ભચાઉ તાલુકાના જંગી ગામેથી વિશાળ વિરોધ સાથે રથયાત્રા કાઢવામાં આવશે અને કચ્છના 600થી વધુ ગામડાઓમાં આ રથ ફરશે અને એક એક ખેડૂતને જાગૃત કરવામાં આવશે. ઉપરાંત ભુજમાં 50 હજારથી વધુ ખેડૂતો એકઠા થશે અને વિરોધ દર્શાવી કચ્છના દરેક ગામમાં ભાજપના કાર્યક્રમનો વિરોધ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી હતી.