Mumbai – મુંબઈના ગોરેગાંવ પશ્ચિમમાં આવેલી જય ભવાની નામની 5 માળની ઈમારતમાં ગુરુવારે મોડી રાત્રે આગ લાગી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગે શુક્રવારે સવારે લગભગ 7 વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોમાં તેમજ પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનોમાં લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ ઘટનામાં 40 લોકો ઘાયલ થયા છે
ફાયર વિભાગની 10 ગાડીઓએ ભારે જહેમત બાદ ગોરેગાંવ વેસ્ટની જય ભવાની નામની બિલ્ડીંગમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ ભીષણ આગમાં લગભગ 40 લોકો ઘાયલ થયા હતા અને 6ના મોત થયા હતા. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે. તમામ ઘાયલોની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 25 ઘાયલોને HBT હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 15 ઘાયલોની કૂપર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે કૂપર હોસ્પિટલમાં દાખલ 2 ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે.
BMCએ આ જાણકારી આપી
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું કે અમને ગઈકાલે મોડી રાત્રે એક ઈમારતમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. જે બાદ અમે તાત્કાલિક અમારા વાહનોને સ્થળ પર મોકલી દીધા. મુંબઈના ગોરેગાંવ વેસ્ટમાં એક 5 માળની ઈમારતમાં લેવલ 2માં આગ ફાટી નીકળી હતી. તમામ ઘાયલ લોકોને સારવાર માટે અલગ-અલગ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.