દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે 500 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં આવી બસોની સંખ્યા વધીને 1,300 થઈ ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે આ અવસર પર દિલ્હીના તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આજથી 500 વધુ ઇલેક્ટ્રિક બસો દિલ્હીના રસ્તાઓ પર આવી રહી છે. દિલ્હીમાં ઈ-બસોની સંખ્યા હવે 1300 પર પહોંચી ગઈ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે દેશના અન્ય કોઈ શહેરમાં આટલી ઈલેક્ટ્રિક બસો નથી. તેમણે કહ્યું, “દિલ્હીમાં હવે દેશમાં સૌથી વધુ ઈલેક્ટ્રિક બસો હશે.”
એક અધિકારીએ જણાવ્યું કે જાન્યુઆરી 2022થી દિલ્હીના રસ્તાઓ પર ઓછામાં ઓછી 800 ઇલેક્ટ્રિક બસો દોડશે. તેના કારણે અત્યાર સુધીમાં 34,000 ટનથી વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અટકાવવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું કે 2025 સુધીમાં દિલ્હીમાં કુલ 10,480 બસો હશે, જે દર વર્ષે 4.67 લાખ ટન કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને રોકવામાં મદદ કરશે.