PAK પર અફઘાનિસ્તાન સખ્ત: રક્ષા મંત્રી અને ISI પ્રમુખને વિઝા આપવાનો ઈનકાર
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. તાજેતરના હુમલાઓ બાદ અફઘાનિસ્તાને પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ, ગુપ્તચર વડા અસીમ મલિક અને અન્ય બે જનરલોને અફઘાનિસ્તાનની યાત્રા માટે વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે.
પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરેલા હુમલા બાદથી જ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. પહેલા પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. તેના પછી અફઘાનિસ્તાને પણ રાતના અંધારામાં પાકિસ્તાન પર ભીષણ પ્રહાર કર્યો. આ ઘટનાઓ બાદ હવે અફઘાનિસ્તાન સંપૂર્ણપણે પાકિસ્તાન સાથે દુશ્મની નીકાળી રહ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાનના રક્ષા મંત્રી અને ISI પ્રમુખને વિઝા આપવાનો ઈનકાર કરી દીધો છે.
વિઝાનો ઈનકાર
અફઘાનિસ્તાનના ઇસ્લામિક અમીરાતના વિશ્વસનીય સૂત્રોએ પુષ્ટિ આપી છે કે છેલ્લા 3 દિવસમાં, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફ, ગુપ્તચર વડા અસીમ મલિક અને અન્ય બે જનરલોએ અફઘાનિસ્તાનની યાત્રા માટે વિઝા માટે અલગ-અલગ વિનંતી કરી હતી. પરંતુ, કાબુલે અફઘાનિસ્તાન આવવાની તેમની આ વિનંતીને વારંવાર નકારી કાઢી છે.
ઇસ્લામિક અમીરાતના પ્રવક્તા ઝબિહુલ્લા મુજાહિદે પુષ્ટિ કરી છે કે અફઘાનિસ્તાનના એર સ્પેસનું ઉલ્લંઘન થવાને કારણે પાકિસ્તાનના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળના કાબુલ આવવાના અનુરોધને રિજેક્ટ કરી દેવાયો છે.
મુજાહિદે કહ્યું, “તેમણે અફઘાનિસ્તાન આવવા માટે પોતાના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનો અનુરોધ કર્યો હતો, પરંતુ વાયુ ક્ષેત્રના ઉલ્લંઘનને કારણે, અમીરાતે આ યાત્રાની પરવાનગી આપી નહીં અને તેમનો અનુરોધ ઠુકરાવી દીધો.”
અત્યાર સુધી, પાકિસ્તાનના અધિકારીઓએ અફઘાન પક્ષ દ્વારા વિઝા રિજેક્ટ કર્યાની વાત પર કોઈ ટિપ્પણી કરી નથી.
PAK સાથેની અથડામણ પર મુત્તાકીનું નિવેદન
તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ તાજેતરમાં પાકિસ્તાનને લઈને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં શાંતિ છે અને તેઓ કોઈ પણ દેશ સાથે સંઘર્ષ ઇચ્છતા નથી. અફઘાનિસ્તાનના અન્ય પાંચ પાડોશી દેશો પણ છે, અને તેઓ બધા તેમની સાથે ખુશ છે.
મુત્તાકીએ પાકિસ્તાન સાથે થયેલી અથડામણ અંગે કહ્યું, “અમે કોઈની સાથે સંઘર્ષ ઇચ્છતા નથી.”
બંને દેશો વચ્ચે થયેલી અથડામણ
પાકિસ્તાને ગયા ગુરુવારની રાત્રે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો, જેમાં અફઘાન એર સ્પેસનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ હુમલાના જવાબમાં, ઇસ્લામિક અમીરાતની સેનાઓએ શનિવારે (19 મીઝાન) ડૂરંડ રેખાની સાથે એક ઓપરેશન ચલાવ્યું.
આ ઓપરેશન હેઠળ અફઘાનિસ્તાને પાકિસ્તાનના 58 સૈનિકોને મારી ગબડાવ્યા.
30 સૈનિકો ઘાયલ થયા.
અફઘાનિસ્તાને 25 સૈન્ય ચોકીઓ પર કબજો કર્યો.