અમદાવાદ-સુરત સહિત 12 શહેરોમાં ફટાકડાના વેપારીઓને ત્યાં GSTનાં દરોડા, 4.33 કરોડની કરચોરી ઝડપાઇ
દિવાળીના તહેવારો નજીક આવતાની સાથે, ગુજરાત રાજ્ય GST (SGST) વિભાગે રાજ્યભરમાં ફટાકડા વેચનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે. આ મેગા ઝુંબેશમાં 37 ફટાકડા વેચનારાઓના 59 સ્થળોએ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 4.33 કરોડની કરચોરી અને 16 કરોડથી વધુની આનુષાંગિક કર અને પાલનમાં ખામીઓ બહાર આવી હતી.
GST વિભાગે દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડાની માંગમાં વધારો અને બિલ વિના ફટાકડાના વેચાણ અંગેની ગુપ્ત માહિતીના આધારે આ કાર્યવાહી શરૂ કરી હતી. વિભાગને ફરિયાદો મળ્યા બાદ અને બજારમાં ફટાકડાના ભાવમાં અસામાન્ય વધારો જોવા મળ્યા બાદ આ નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીનો હેતુ કરચોરીને રોકવા અને ગ્રાહકોને વાજબી ભાવે ફટાકડા મળે તે સુનિヘતિ કરવાનો છે.GST વિભાગે અમદાવાદ, સુરત, આણંદ, વડોદરા અને અરવલ્લી જેવા મુખ્ય શહેરો સહિત રાજ્યભરના ૧૨ શહેરો અને તાલુકાઓમાં આ કામગીરી હાથ ધરી હતી. તપાસમાં વિક્રેતાઓના ગોદામો, દુકાનો અને સંગ્રહ એકમોનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
તપાસમાં 4.33 કરોડની કરચોરી બહાર આવી, જેમાં વેચાણ ઓછું દર્શાવીને કરચોરી કરવાના વિક્રેતાઓના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે. ઘણા વિક્રેતાઓ બિલ વિના ફટાકડા વેચતા જોવા મળ્યા, જે ટેકસ નિયમોનું ઉલ્લંઘન છે. ઘણી જગ્યાએ સ્ટોક રજીસ્ટ્રેશનમાં પણ નોંધપાત્ર વિસંગતતાઓ જોવા મળી. વિક્રેતાઓ તેમની પાસે ખરેખર જે સ્ટોક હતો તેના કરતાં ઓછો સ્ટોક બતાવી રહ્યા હતા. એવું બહાર આવ્યું કે 16 કરોડથી વધુ મૂલ્યના આનુષાંગિક કર અને પાલન નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.