આપત્તિમાં તક…! ન ચીન કે ન અમેરિકા, EV ઇન્ડસ્ટ્રીમાં ભારતનો વાગશે ડંકો
સમગ્ર વિશ્વમાં ઇલેક્ટ્રિક વાહનો (EVs) તરફ વધતા વલણે માત્ર વાહનો ચલાવવાની રીતમાં જ નહીં, પરંતુ તેમની ડિઝાઇન, મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય સિસ્ટમને પણ સંપૂર્ણપણે બદલી નાખી છે. જ્યારે આખું વિશ્વ ટકાઉપણું (Sustainability) અને સંસાધનોના બહેતર ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે ભારત પણ આ ગ્લોબલ EV સિસ્ટમનો એક મહત્વનો હિસ્સો બની રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, દેશનું નવીન મેન્યુફેક્ચરિંગ ભારતને આત્મનિર્ભર અને મજબૂત સપ્લાય ચેઇનની દિશામાં આગળ વધારી રહ્યું છે.
ભારતની EV સફર: પડકારો અને ઉકેલ
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની ગતિ સતત વધી રહી છે. જોકે, આ ક્ષેત્રમાં લાંબા ગાળાની મજબૂતી એ વાત પર નિર્ભર કરશે કે દેશ EV સપ્લાય ચેઇનના પડકારોને કેવી રીતે ઉકેલે છે. ખાસ કરીને એવા કાચા માલ (Raw Materials)માં, જે ઇલેક્ટ્રિક મોટર્સ અને બેટરીઓમાં વપરાય છે.
ઇનોવેશન અને રિસર્ચ: નવી તકનીકનું આગમન
ભારત હવે એવા વિકલ્પો અને તકનીકો પર કામ કરી રહ્યું છે જે દુર્લભ પૃથ્વી તત્વો (Rare Earth Metals) પરની નિર્ભરતા ઘટાડે. આ મટિરિયલ્સની જગ્યાએ નવી અને ટકાઉ મોટર ડિઝાઇન વિકસાવવામાં આવી રહી છે. આવી જ એક નવી તકનીક ફેરાઇટ મેગ્નેટ ટેકનોલોજી છે, જે દુર્લભ પૃથ્વી ધાતુઓ વિના મોટર્સને પાવર આપી શકે છે. આ તકનીક મજબૂત, સસ્તી અને ટકાઉ છે, અને હવે ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. તાજેતરમાં ઓલા ઇલેક્ટ્રિક આ પ્રકારની મોટર બનાવનારી પ્રથમ ભારતીય કંપની બની છે, જેને સરકાર તરફથી માન્યતા મળી છે.
આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું
ફેરાઇટ આધારિત મોટર્સમાં વધતી રુચિ દર્શાવે છે કે ભારત હવે બાહ્ય સંસાધનો પરની નિર્ભરતા ઘટાડીને, વધુ ટકાઉ અને સ્થાનિક EV ઇકોસિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. આ તકનીકો માત્ર પર્યાવરણને અનુકૂળ નથી, પરંતુ દેશની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને પણ મજબૂત બનાવી રહી છે, કારણ કે તેમાં વપરાતું મોટાભાગનું મટિરિયલ દેશમાં જ તૈયાર કરી શકાય છે.
સ્થાનિક ઉત્પાદન અને તકનીકી આત્મનિર્ભરતા
ભારતનો EV ઉદ્યોગ હવે એવી નીતિઓથી પણ બદલાઈ રહ્યો છે જે લોકલ પ્રોડક્શન અને સ્વદેશી તકનીકને પ્રોત્સાહન આપે છે. પ્રોત્સાહન યોજનાઓની મદદથી દેશમાં હવે EV ના મહત્વપૂર્ણ ભાગોનું સ્થાનિક ઉત્પાદન ઝડપથી વધ્યું છે, ખાસ કરીને બેટરી ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એડવાન્સ્ડ લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરિંગનો વિકાસ આ દિશામાં એક મોટી ઉપલબ્ધિ છે. આનાથી આયાત પરની નિર્ભરતા ઘટશે અને દેશની અંદરની સમગ્ર વેલ્યુ ચેઇન મજબૂત થશે.
નવીનતાથી નિકાસ સુધી
ભારતની વ્યૂહરચના હવે કોમ્પોનન્ટ ઇનોવેશન, સેલ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય ચેઇન લોકલાઇઝેશન આ ત્રણેયને જોડીને એક એવો આધાર તૈયાર કરી રહી છે જેનાથી દેશ માત્ર EVનું મોટું બજાર નહીં, પરંતુ એક વૈશ્વિક ઉત્પાદન અને નિકાસ કેન્દ્ર બની શકે. તેનું લક્ષ્ય સ્પષ્ટ છે: સ્થાનિક ક્ષમતા વધારો, ભારતમાં નવીનતા લાવો, અને સ્વચ્છ પરિવહનની વૈશ્વિક દિશા સાથે આગળ વધો. આમાં સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચેની ભાગીદારી પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહી છે, ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને R&D (સંશોધન અને વિકાસ) રોકાણના ક્ષેત્રમાં.
ભારતનો ડંકો
અમેરિકા-ચીન વચ્ચે શરૂ થયેલી નવી ટ્રેડ વોર વચ્ચે ભારત એક એવા રસ્તા પર છે જ્યાંથી તે EV ઇન્ડસ્ટ્રીનું ગ્લોબલ હબ બની શકે છે. ભારત EV કોમ્પોનન્ટ્સ માટે અન્ય દેશો પરની આત્મનિર્ભરતા ઘટાડી રહ્યું છે, જેનાથી ભારત ગ્લોબલ EV સિસ્ટમનો એક મહત્વનો હિસ્સો બની રહ્યું છે.