સુરત: બિનઆરોગ્યપ્રદ ઘીનો જથ્થો પકડાયો, ઘીમાં બાહ્ય ચરબી અને ટ્રાન્સ ફેટ એસિડ જેવા જોખમી તત્વો મળી આવ્યા
હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. તેવામાં પોલીસની સાથો સાથ હવે સુરત મહાનગરપાલિકા અને ફૂડ સેફ્ટી વિબાગ એક્શન મોડમાં આવી ગયા છે. રોજે રોજ દરોડો પાડી નકલી ઘી, નકલી કોસ્મેટિક વસ્તુઓને પકડી પાડવામાં આવી રહી છે. હવે રોજિંદા વપરાશમાં ઉપયોગી એવાં ઘીમાં આરોગ્ય સાથે જીવને જોખમમાં મૂક્તા તત્વો મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે.
વિગતો મુજબ દિવાળી પહેલા સુરતમાં ઘીના 7 નમૂનાઓ ફેલ થયા છે. કોસાડ વિસ્તારની ડેરીમાંથી લેવાયેલા ઘીમાં બાહ્ય ચરબી અને ટ્રાન્સ ફેટ એસિડ જેવા આરોગ્યને જોખમમાં મૂકતા તત્વો મળી આવ્યા હતા.સુરત મહાપાલિકાની લેબ રિપોર્ટમાં ઇન્ટરએસ્ટરીફાઇડ ચરબીની પુષ્ટિ થઈ ચૂકી છે. ફૂડ એનાલિસ્ટ સાહિદ હરાદવાલાના રિપોર્ટ બાદ 7 નમૂનાઓ ફેઇલ જાહેર કરવામાં આવ્યા છે.
આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે ઘીને અસુરક્ષિત ગણાવ્યું હતું અને કહ્યું કે આવા પ્રકારના ઘીમાં ટ્રાન્સ ફેટી એસિડ 2%થી વધુ મળી આવ્યું છે જે લોકોનાં સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઉભું કરે છે. ડેરી વિરુદ્વ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006નું ઉલ્લંઘન કરવા સબબનો ગુનો નોંધવામાં આવ્યો છે. શ્રી મહાદેવા અને ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટના નમૂનાઓ પણ ટેસ્ટમાં ફેલ જાહેર કરવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે અને તહેવારોમાં ભેળસેળયુક્ત ખાદ્ય વેચનારા સામે કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.