શુબમન ગિલનું ટેસ્ટ ક્રિકેટમાં પ્રદર્શનઃ ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે. આફ્રિકાના પ્રવાસ પર યુવા બેટ્સમેન શુભમન ગિલ પાસેથી ઘણી આશાઓ છે, પરંતુ તે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. આ પહેલીવાર નથી જ્યારે ગિલનું બેટ ટેસ્ટ ફોર્મેટમાં શાંત રહ્યું હોય. વર્ષ 2023માં તે ઘણીવાર વિપક્ષી ટીમ સામે રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.
ક્રિકેટ નિષ્ણાતો 24 વર્ષીય ગિલને ભારતીય ટીમના ભવિષ્ય તરીકે જોઈ રહ્યા છે. તેણે સફેદ બોલની ક્રિકેટમાં પોતાની જાતને સાબિત કરી છે, પરંતુ લાલ બોલની ક્રિકેટમાં તે સતત ફ્લોપ થઈ રહ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી શુભમન ગિલ વર્ષ 2023માં ભારતીય ટીમ માટે કુલ નવ ઇનિંગ્સમાં ભાગ લેવામાં સફળ રહ્યો હતો. આ દરમિયાન તેના બેટથી માત્ર એક સદી સાથે 232 રન બનાવ્યા હતા.
જો અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી તેની 128 રનની સદીને છોડી દઈએ તો વર્ષ 2023માં તે માત્ર 124 રન જ બનાવી શક્યો હતો જે ખૂબ જ વિચારવા જેવો છે.
હાલમાં ગિલ ભારતીય ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે. ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા દિગ્ગજ ખેલાડીઓના સ્થાને સમાવવામાં આવેલ ગિલ પાસેથી શાનદાર ઇનિંગની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં તે ત્રીજા નંબરે બેટિંગ કરતી વખતે માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે કુલ 12 બોલનો સામનો કર્યો હતો. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 16.66 હતો.
શુભમન ગિલની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દી:
ગિલની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તે દેશ માટે અત્યાર સુધીમાં કુલ 19 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 34 ઇનિંગ્સમાં 31.23ની એવરેજથી પોતાના બેટથી 968 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં ગિલના નામે બે સદી અને ચાર અડધી સદી છે. અહીં તેની વ્યક્તિગત સર્વોચ્ચ ઈનિંગ્સ 128 રનની છે.