અમેરિકામાં ન્યૂઝરૂમ બિલ્ડિંગમાં થયેલા ગોળીબારમાં ઘણા લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ બિલ્ડિંગમાં એનાપોલિસથી પ્રકાશિત થતા કેપિટલ ગેઝેટની ઓફિસ પણ છે. ઘટના વિશે ટ્વિટ કરીને કેપિટલ ગેઝેટના એક પત્રકાર ફિલ ડેવિસે જાણકારી આપી કે એક બંદૂકધારીએ કાચના દરવાજાની બીજી તરફથી અચાનક અંધાધૂંધ ફાયરીંગ શરૂ કરી દીધુ હતુ જેમાં ઘણા લોકોના મોત નીપજ્યા છે.
જાણકારી અનુસાર આ હુમલામાં ઓછામાં ઓછા 5 લોકોના મૃત્યુના સમાચાર છે. જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર આ હુમલો બપોરે લગભગ 2.35 વાગે 888 બેસ્ટગેટ રોડ પર થયો હતો. એની એરુંડેલ કાઉન્ટી પોલિસે આ ફાયરિંગની પુષ્ટિ કરી છે. પોલિસે ઘાયલોની પુષ્ટિ કરી છે પરંતુ કોઈના માર્યા જવા વિશે કંઈ કહ્યુ નથી. પ્રશાસન હજુ પણ બિલ્ડિંગને ખાલી કરાવવામાં લાગેલુ છે અને કોશિશ કરી રહ્યુ છે કે લોકો સુરક્ષિત રીતે બહાર નીકળી શકે.