સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા ફરી એકવાર નિષ્ફળ રહી છે. સેન્ચુરિયન ટેસ્ટ હારીને ભારતીય ટીમે પ્રથમ વખત દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી જીતવાનું સપનું ચકનાચૂર કરી દીધું છે. મહત્વનું છે કે, બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદથી ક્રિકેટ નિષ્ણાતો અને ક્રિકેટ ચાહકો ભારતીય ટીમની ખૂબ જ આલોચના કરી રહ્યા છે.
હાલમાં જ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોનએ તો ટીમ ઇન્ડિયા માટે ત્યાં સુધી કહી દીધું હતું કે, ટીમ ઈન્ડિયા કંઈ પણ જીતી શકતી નથી. તેમણે ભારતીય ટીમનો સૌથી ઓછી સિદ્ધિ ઘરાવતી ટીમમાં સમાવેશ કર્યો. વોનના નિવેદન બાદ જ્યારે પૂર્વ ભારતીય બોલર વેંકટેશ પ્રસાદને આ મામલે તેમનો અભિપ્રાય પૂછવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું.
શું ટીમ ઈન્ડિયા ચોકર્સ છે?
સોશિયલ મીડિયા પર એક ક્રિકેટ ચાહકે વેંકટેશ પ્રસાદને પૂછ્યું કે શું ટીમ ઈન્ડિયા ક્રિકેટની દુનિયામાં નવી ચોકર્સ બની ગઈ છે? આ સવાલના જવાબમાં વેંકટેશ પ્રસાદે તેમનો મત વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, ‘અમે ચોકર્સ નથી. અમે ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ શ્રેણી જીતી છે. વર્ષ 2021માં અંતિમ શ્રેણીમાં વિજય હાંસલ કર્યો હતો. એ પણ ત્યારે કે જ્યારે અમે તે શ્રેણીમાં 36 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. અડધાથી વધુ ખેલાડીઓની ગેરહાજરી છતાં ટીમ ઈન્ડિયાની આ જીત ઘણી ખાસ રહી. પણ હા, છેલ્લા 11 વર્ષમાં એક પણ મોટી ટુર્નામેન્ટ ન જીતવી એ ચોક્કસપણે ચિંતાનો વિષય છે.’
આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાએ વર્ષ 2023માં બે આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ રમી હતી પરંતુ બંનેમાં હારનો સામનો કરવો પડયો હતો. 2013 બાદ ટીમ ઈન્ડિયા આઈસીસીની એક પણ ટૂર્નામેન્ટ જીતવામાં સફળ રહી નથી. આથી, ચારે બાજુથી ટીમ ઈન્ડિયાની ટીકા થઈ રહી છે.