હાલ મોટાભાગના લોકોનું માનવું છે કે વાળ ખરવાનું કારણ સંપૂર્ણપણે કોસ્મેટિક છે. પરંતુ શું તમે જાણો છો કે શરીરની અંદરની સમસ્યાઓને કારણે વાળ પણ નબળા થવા લાગે અથવા તો વિશેષ માત્રામાં ખરવા લાગે છે. જીહા,શરીરમાં વિટામિન્સની ઉણપ પણ વાળ ખરવાનું એક કારણ હોઈ શકે છે. સાંપ્રત સમયમાં ઝડપથી ખરતા વાળની સારવાર માટે લોકો ખાસ ટ્રીટમેન્ટ, શેમ્પૂ કે કન્ડિશનરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલીક વખત વાળ ખરવાનું કારણ આપણા શરીરમાં થયેલી વિટામીનની ઉણપ પણ હોઇ શકે છે. જીહા, આપણા શરીરના કેટલાક ખાસ લક્ષણો વિટામિનની ઉણપ સૂચવતા હોય છે તેના માટે આપણે આવશ્યક કાળજી રાખી વિટામિનની પૂર્તિ કરી આપણા વાળને ખરતા રોકી શકીએ છીએ. તો અહીં આ જ બાબતે અમે આપને આવશ્યક માહિતી જણાવી રહ્યા છીએ કે વિવિધ વિટામિનની ઉણપ થાય ત્યારે શું કરી શકાય.
વિટામિન ડી
નિષ્ણાતોના મતે વિટામિન ડીની ઉણપને કારણે વાળ સરળતાથી તૂટવા લાગે છે અથવા તો વાળ પાતળા અને નિર્જીવ દેખાવા લાગે છે. જો વિટામિન ડીની ઉણપ હોય તો ખોરાક અથવા સૂર્યપ્રકાશ દ્વારા શરીરમાં આ આવશ્યક વિટામિનનું સેવન વધારી શકાય છે.
વિટામિન એ
આપણા વાળ માટે વિટામીન એ ખૂબ જ મહત્વનું બની રહે છે. કેમ કે, આ વિટામિનની ઉણપને કારણે વાળ નબળા અથવા નિર્જીવ દેખાવા લાગે છે. આપણા માથાની ચામડી એટલે કે સ્કૈલ્પના ભાગમાં ડેન્ડ્રફનું દેખાવું એ સૂચવે છે કે શરીરમાં વિટામિન એની ઉણપ છે. સંતરા, બટાકા, ગાજર, કેપ્સિકમ વગેરેનું સેવન કરી વિટામિન એની પૂર્તિ કરી શકો છો.
વિટામિન ઇ
વાળમાં સ્પ્લિટ એન્ડનો દેખાવ એ સૂચવે છે કે તમારા શરીરમાં વિટામિન ઇની ઉણપ છે. સૌંદર્ય સંભાળ માટે કે કોઇ ઉપચાર કે પેક બનાવવા માટે વિટામિન ઇની કેપ્સ્યુલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો તમે સૂર્યમુખીના બીજ, પાલક, બદામ, એવોકાડોને આહારમાં સમાવિષ્ટ કરો તો વિટામિન ઇનું સ્તર વધારી શકાય છે.
વિટામિન સી
વિટામિન સી આપણા શરીર માટે સૌથી મહત્વપૂર્ણ છે. જો તેનું સ્તર ઘટવા લાગે તો નબળી રોગપ્રતિકારક શક્તિ, ત્વચાની કાળાશ અને વાળ ખરવા લાગે છે. વિટામીન સીની ઉણપને કારણે વાળ ખરી પડે છે અથવા સુકા દેખાવા લાગે છે. આ માટે શિયાળામાં સંતરાનું સેવન કરવું ઉત્તમ બની રહે છે. જો કે બ્રોકોલી, કેપ્સિકમ, અન્ય ખાટાં ફળો તેમજ સ્ટ્રોબેરીનું સેવન કરવામાં આવે તો વિટામિન સી મેળવી શકાય છે.