ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી મેચ 3 જાન્યુઆરીથી ન્યૂલેન્ડ્સમાં રમાશે. ટીમ ઈન્ડિયા અહીં રમવા આવેલી સિરીઝ જીતવાના સપના સાથે આવી હતી. પરંતુ આ સપનું પણ અધૂરું રહી ગયું. કારણ કે ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝની બીજી ટેસ્ટ અને આ વર્ષની પહેલી ટેસ્ટ થવાની છે. ત્યારે ટીમ ઈન્ડિયા બીજી મેચ કેપટાઉનમાં રમશે. અહીં મહત્વનું એ છે કે જો કેપ્ટન રોહિત શર્મા સિરીઝ ડ્રો કરવાની ઇચ્છા ધરાવે તો તેણે આકરા નિર્ણયો લેવા પડશે. આ માટે અપેક્ષા સેવાઇ રહી છે કે ભારતીય ટીમ આ મેચમાં બે મોટા ફેરફાર કરી શકે છે.
ટીમ ઈન્ડિયા કરશે આ બે ફેરફાર
પહેલો ફેરફાર એ છે કે પ્રસિદ્ધ કૃષ્ણાને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે અને તેમની જગ્યાએ મુકેશ કુમારને તક મળી શકે છે. બીજા મેચ પહેલા પ્રેકટિસમાં રોહિત શર્માએ લાંબો સમય નેટ્સમાં મુકેશ કુમાર સાથે પસાર કર્યો હતો. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મુકેશ કુમારને તક મળી શકે છે.
આ સિવાય ટીમમાં બીજો ફેરફાર જોવા મળી શકે છે. તે ફેરફાર હશે રવિન્દ્ર જાડેજાની વાપસી. કારણ કે જાડેજાને પ્રથમ મેચ પહેલા થોડી સમસ્યા હતી, તેથી તે રમી શક્યો ન હતો. પરંતુ હવે જાડેજા ફિટ છે, તેથી જો તે પ્લેઇંગ-11માં આવે છે તો રવિચંદ્રન અશ્વિનને બહાર બેસવું પડી શકે છે.
મતલબ કે ટીમ ઈન્ડિયા આ બે મોટા ફેરફાર કરતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે જેમાંથી બે મેચ ડ્રો રહી છે જ્યારે કે ચાર મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પ્રથમ મેચમાં એક ઈનિંગ અને 32 રને હારી ગઈ હતી.