મોટર વ્હીકલ (એમેડમેન્ટ) બિલને લોકસભામાં બહાલી મળી ચૂકી છે, પરંતુ તે રાજયસભામાં અટવાયું છે. આ કાયદો જો પસાર થઈ ગયો તો ટ્રાફિકના નિયમો ભંગ કરવા બદલ હાલ જેટલા દંડની જોગવાઈ છે, તેના કરતા કદાચ બેથી પાંચ ગણો દંડ ભરવો પડશે. આ પ્રસ્તાવિત કાયદામાં ૧૭ એવી જોગવાઈઓ છે કે જે ભારતમાં હાલની ટ્રાફિક વ્યવસ્થા તેમજ વાહનોના મેનેજમેન્ટને ધરમૂળથી બદલી નાખશે. આગળ જુઓ, કઈ ૧૦ કડક જોગવાઈ છે આ પ્રસ્તાવિત કાયદામાં. રસ્તા પર વાહન ચલાવતી વખતે સૌથી વધુ ત્રાસ ચાલુ ડ્રાઈવિંગે ફોન પર વાત કરનારા લોકોને કારણે થતો હોય છે. આવા લોકોને સીધા કરવા આ કાયદામાં ૫,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે. મહત્વનું છે કે, હાલ આ દંડની રકમ માત્ર ૧,૦૦૦ રૂપિયા જ છે. મતલબ કે, કાયદો જો પસાર થયો તો દંડની રકમ પાંચ ગણી વધી જશે. જેમની પાસે કાચું કે પાકું લાઈસન્સ ન હોય તેવા અવયસ્ક વ્યકિત દ્વારા અકસ્માત કરવામાં આવે તો તેના બદલ તેના માતા-પિતા કે પછી તેને વાહન આપનારા વ્યકિત સામે કેસ દાખલ કરવામાં આવશે. તે વ્યકિતએ સાબિત કરવું પડશે કે તેની જાણ બહાર અવયસ્ક વ્યકિતએ વાહન ચલાવી અકસ્માત કર્યો છે. આ કાયદામાં લાયસન્સ વગર વાહન ચલાવતા લોકો પર સકંજો કસવા ખાસ ધ્યાન અપાયું છે. હાલ જો તમે લાઈસન્સ વગર ડ્રાઈવિંગ કરતા પકડાઓ તો ૫૦૦ રુપિયાનો દંડ થાય છે, જોકે પ્રસ્તાવિત કાયદામાં આ રકમને વધારીને ૫,૦૦૦ રુપિયા કરવામાં આવી છે. નશાની હાલતમાં વાહન ચલાવવાના કારણે જ સૌથી વધુ અકસ્માત થતા હોય છે. નવા કાયદામાં દારૂ પીને વાહન ચલાવતા કોઈ પકડાય તો તેને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવાની જોગવાઈ છે. હાલમાં આ રકમ માત્ર બે હજાર રૂપિયા છે. અકસ્માત થઈ શકે તેવું જોખમી ડ્રાઈવિંગ કરનારાનું પણ હવે આવી બનશે. આ કાયદો પસાર થઈ ગયો તો બેફામ ડ્રાઈવિંગ કરનારાને ૫૦૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. હાલમાં આ દંડ ૧૦૦૦ રૂપિયા છે. કોઈપણ રસ્તા પર નક્કી કરાયેલી સ્પીડ લિમિટથી વધુ ઝડપે વાહન ચલાવવા બદલ નવા કાયદા મુજબ ૧ હજારથી બે હજાર રુપિયા દંડ આપવો પડશે. હામાં આ ગુના માટે માત્ર ૪૦૦ રુપિયા દંડ વસૂલવામાં આવે છે. સીટ બેલ્ટ ન બાંધનારાની સંખ્યા આપણે ત્યાં ઘણી મોટી છે. હવે તો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેવા લોકોના ઘરે પણ ઈ-મેમો પહોંચી જાય છે. હાલ આ ગુનામાં ૧૦૦ રુપિયાનો દંડ લેવાય છે. જોકે, નવા કાયદામાં સીટ બેલ્ટ ન પહેરનારા પાસેથી ૧૦૦૦ રુપિયા દંડ લેવામાં આવશે. જો આ કાયદો પસાર થઈ ગયો તો તમારે ડ્રાઈવિંગ લાઈસન્સ બનાવડાવવા કે પછી નવું વાહન ખરીદવા માટે પણ ફરજિયાત આધાર કાર્ડ આપવું જ પડશે. મતલબ કે, તમારા નામ સરનામાં ઉપરાંત કોન્ટેકટ નંબર તેમજ તમારી બાયોમેટ્રિક વિગતોની ડિટેલ્સ પણ સરકાર પાસે રહેશે. જો રસ્તામાં ખાડા પડી જાય કે તેની ડિઝાઈન ફોલ્ટી હોય, તેનું મેઈન્ટેનન્સ યોગ્ય રીતે ન થાય અને તેને કારણે એકિસડેન્ટ થઈ શકે તેમ હોય તો રસ્તો બનાવનારા કોન્ટ્રાકટર, કન્સલ્ટન્ટ તેમજ સરકારી અધિકારીઓને જવાબદાર માની તેમની સામે પગલાં લેવાશે. અકસ્માતના કેસમાં વળતર માટે કેસ કરવામાં આવ્યો હોય તો તેનો છ મહિનાની અંદર ફરજિયાતપણે ચુકાદો આપી દેવાનો રહેશે. મતલબ કે વર્ષો સુધી ચાલતા કેસમાંથી પણ લોકોને છૂટકારો મળશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.