હાઈકોર્ટ દ્વારા શહેરમાં સતત વધતી જતી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા પોલીસતંત્ર તેમજ મ્યુનિસિપલ સત્તાવાળાઓને તાકીદ કરાઈ છે, જેના પગલે સંબંધિત તંત્ર દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું છે, પરંતુ આ અભિયાન હેઠળ ઓટોરિક્ષાચાલકો સાથે પોલીસ ખોટી કનડગત કરતી હોવાનો આક્ષેપ મૂકીને તેના વિરોધમાં આજે સ્વયંભૂ બંધ પાળવાનો ઓટો રિક્ષાચાલકો દ્વારા નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસે કડક વલણ અપનાવ્યું છે અને શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રોડની સાઈડમાં ચાલતાં લારી-પાથરણા અને રિક્ષા ચાલકો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. એક સપ્તાહમાં પોલીસે 4500 જેટલી રિક્ષા ડિટેઈન કરી છે, જેના કારણે આજથી રિક્ષા ચાલકો પણ હડતાળ પર ઉતરી ગયા છે. આમ, રીક્ષા ચાલકોની હડતાળમાં લારી-પાથરણા વાળા પણ જોડાશે. શહેરમાં ૪૫ લાખ વાહન હોઈ તેની સામે બે લાખ ઓટોરિક્ષાઓ છે. કાયદાનું પાલન ન કરનારાઓને આડેધડ પરિમટ અપાય છે, પરંતુ ટ્રાફિકની અરાજકતા માટે ઓટોરિક્ષાચાલકો જ જવાબદાર ગણાય છે. કાયદો માત્ર રિક્ષાચાલકો માટે હોય તે રીતે પોલીસતંત્ર દ્વારા આઈપીસીની કલમ-૧૮૬, ૧૮૮ અને ૨૮૮નો દુરુપયોગ કરાય છે તેવો રિક્ષાચાલકોના અગ્રણીઓનો આક્ષેપ છે. શહેરમાં માત્ર ૨૧૦૦ રિક્ષા માટેનાં સ્ટેન્ડ છે. ઉતારુઓ માટેનાં પિકઅપ સ્ટેન્ડ પણ નથી એટલે સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે રિક્ષાચાલકો પર દમન ગુજારે છે, જેના વિરોધમાં સોમવારે રિક્ષાચાલકો એક દિવસ પોતાનો ધંધો બંધ રાખશે તેમ જણાવતાં રિક્ષાચાલક અગ્રણીઓ અશોક પંજાબી, રાજવીર ઉપાધ્યાય વગેરેએ વધુમાં એવી માગણી કરી છે કે તંત્ર દ્વારા તત્કાળ અસરથી ૨૫ ટકા રિક્ષા માટે સ્ટેન્ડ અપાય તેમજ પોલીસ દમનને બંધ કરાય. તાજેતરમાં હાઈકોર્ટના આદેશના પગલે શહેરમાં હાથ ધરાયેલા ટ્રાફિક નિયમનની ઝુંબેશ હેઠળ પોલીસ સત્તાવાળાઓએ ૧૦૦૦થી વધુ રિક્ષા જપ્ત કરીને લાખો રૂપિયાનો દંડ વસૂલ્યો હોવાના આક્ષેપ ઊઠ્યા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.