ભારતમાં રહેવાલાયક સ્થળોનાં મામલે ટોચના સ્થાને રહેલા શહેરોની યાદી સોમવારે જારી કરવામાં આવી હતી. રહેવાલાયક સૌથી ઉત્કૃષ્ટ શહેર પૂણેને માનવામાં આવ્યું છે. જ્યારે દેશની રાજધાની આ મામલે છેક 65 મા ક્રમે છે. કેન્દ્રીય શહેરી મામલાઓનાં મંત્રાલય દ્વારા જારી લિવેબિલિટી ઈન્ડેક્સમાં નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ ક્રમશ: બીજા અને ત્રીજા નંબર રહ્યા છે. રહેવાલાયક ટોપ-10 શહેરોમાં મહારાષ્ટ્રના ત્રણ શહેરો સામેલ છે, જ્યારે મોટા શહેરોનાં મામલે ઉત્તરપ્રદેશ અને તામિલનાડુના કોઈપણ શહેર ટોપ-10માં સ્થાન મેળવી શક્યા નથી. મંત્રાલયે 111 મોટા શહેરો અંગે જારી કરેલી આ યાદીમાં રાજધાની દિલ્હી ખૂબ પાછળ છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે દિલ્હીમાં વાયુ પ્રદૂષણને લઈને ખૂબ વિવાદ થયો હતો. ટોપ-10 શહેરોમાં મધ્યપ્રદેશ અને છત્તીસગઢની રાજધાનીઓને સ્થાન મળ્યું છે. ઉત્તરપ્રદેશનું રામપુર શહેર આ યાદીમાં સૌથી નીચલા ક્રમે રહ્યું છે. ટોપ-10 શહેરોની યાદીમાં ચોથા નંબર પર તિરૂપતિ, પાંચમા ક્રમે ચંડીગઢ, છઠ્ઠા ક્રમે થાણે, સાતમા સ્થાને રાયપુર, આઠમા ક્રમે ઈન્દોર, નવમા ક્રમે વિજયવાડા અને દસમા ક્રમે ભોપાલ છે. આ સર્વેક્ષણ દેશના 111 શહેરોમાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આવાસ અને શહેરો મામલાઓનાં મંત્રી હરદીપ પુરીએ કહ્યું હતું કે લિવેબિલિટી ઈન્ડેક્સ ચાર માપદંડો – શાસન, સામાજિક સંસ્થાઓ, આર્થિક અને ભૌતિક માળખા પર આધારિત છે. ચેન્નઈને 14મું અને નવી દિલ્હીને ૬૫મું સ્થાન મળ્યું છે. પુરીએ કહ્યું હતું કે કોલકાતાએ સર્વેક્ષણમાં સામેલ થવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અગાઉ 116 શહેરોને તામાં સામલ કરવાનું આયોજન હતું પરંતુ આખરે111 શહેરોને જ સામેલ કરાયા હતા. જેમાં તમામ સ્માર્ટ શહેરો અને જે શહેરોની વસતી 10 લાખથી વધુ હતી એવા શહેરોને તેમાં સામેલ કરવામાં આવ્યા છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.