દિવાળી અને છઠની ઉજવણી: સુરત જતી ટ્રેનોમાં ભીડ ચાર ગણી વધી, રેલવેએ વધારાની વ્યવસ્થા કરી
દિવાળી, છઠપૂજા અને આવનારી બિહાર ચૂંટણીને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મોડી રાતથી જ મુસાફરો સ્ટેશન પર પહોંચવા લાગ્યા છે, જેના કારણે પ્લેટફોર્મો પર જમાવડો અને ભારે ભીડનું દૃશ્ય સર્જાયું છે.
ઉત્તર ભારત તરફ જતી લગભગ બધી ટ્રેનો ‘હાઉસફૂલ’ થઈ ગઈ છે. યુપી, બિહાર અને ઝારખંડ તરફ જતી ટ્રેનોમાં આરક્ષણ મેળવવું મુસાફરો માટે મુશ્કેલ બની ગયું છે. રેલવે વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્તર ભારત જતા મુસાફરોની સંખ્યામાં લગભગ ચાર ગણો વધારો નોંધાયો છે.
ભીડને પહોંચી વળવા માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF), ઉધના પોલીસ, તેમજ રેલવે સ્ટાફની વધારાની ટુકડીઓને સ્ટેશન પર તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા દળો મુસાફરોને માર્ગદર્શન આપવા, ભીડ નિયંત્રિત રાખવા અને અવ્યવસ્થા ન સર્જાય તે માટે સતત ચુસ્ત દેખરેખ રાખી રહ્યા છે.
મુસાફરોની સુવિધા માટે રેલવે વિભાગે એક્સ્ટ્રા ટ્રેનોની વ્યવસ્થા પણ શરૂ કરી છે, જેથી વતન પરત ફરતા લોકો સરળતાથી પોતાના સ્થળે પહોંચી શકે. ઉપરાંત, મુસાફરોને રાહત આપવા માટે હોલ્ડિંગ એરિયા અને પ્રતિક્ષા કક્ષ (વેટિંગ હોલ)ની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
દિવાળી અને છઠપૂજાનો પર્વ પરિવાર જોડે માદરે વતન ઉજવવાની ઉત્સુકતા મુસાફરોના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. ઘણા મુસાફરો એ પણ જણાવ્યું કે લાંબા સમય પછી તહેવારના દિવસોમાં ઘર જવાની તક મળી છે, તેથી ભીડ કે મુસાફરીની મુશ્કેલીઓ છતાં તેઓ આનંદિત છે.
ઉધના સ્ટેશન પર હાજર રહી મુસાફરો સાથે સીધી વાતચીત કરી.
એક મુસાફર મોહમ્મદ રફીક અન્સારી કહે છે, “હું ત્રણ વર્ષથી સુરતમાં કામ કરું છું. આ વખતે છઠપૂજા માટે ઘરે જવાનો નિર્ણય લીધો છે. ટિકિટ મળવી મુશ્કેલ હતી, પણ હવે ઘેર જવાનો આનંદ કંઈક અલગ જ છે.”
બીજા મુસાફર પ્રવીણ યાદવ કહે છે, “ભીડ ઘણી છે, પરંતુ રેલવેની વ્યવસ્થા સારી છે. પોલીસ અને આરપીએફ સતત મદદ કરી રહ્યા છે, જેના કારણે વ્યવસ્થા જળવાઈ રહી છે.”