સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરી ભક્તિના માધ્યમથી શક્તિ પ્રદર્શન કર્યું છે. જેમાં પાસના ગુજરાતના કન્વીનર હાર્દિક પટેલે ઉપસ્થિત રહી આરતી કરતા પાટીદારોનો જુસ્સો વધ્યો હતો.
પાટીદાર અનામત આંદોલન સમિતિ સુરત દ્વારા હાર્દિકને સમર્થન, અલ્પેશ કથીરિયા તેમજ સુરતના 7 પાટીદાર યુવાનોની વહેલી તકે જેલમુક્તિ થાય તથા પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોનું દેવું માફ થાય એવા હેતુથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શનિવારે રાત્રે હાર્દિક પટેલે હાજરી આપી હતી અને આરતી ઉતારી હતી. સરકાર સામે જોશ પૂર્વક વધુ તાકાતથી લડી લેવા શંખનાદ કર્યો હતો. હાર્દિક પટેલ હાજર રહ્યો હોવાથી મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.
પાટીદાર સમાજના 7 યુવકોને જેલમાં સરકાર દ્વારા પુરી દેવામાં આવ્યાં છે. જેમાં સુરત પાસના કન્વીનર અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં બંધ કરી દેવામાં આવ્યો છે.ત્યારે અલ્પેશ કથીરિયાની જેલમુક્તિ, ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે તે માંગો યથાવત હોવાનું સુરત પાસના કન્વીનરે જણાવ્યું હતું.
ગણેશજીની ભક્તિ દ્વારા પાટીદારોની એક્તાની શક્તિ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારને સદબુદ્ધી મળે તે માટે રોજે રોજ યુવકો દ્વારા કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. સરકારના કાન ખુલે અને પાટીદારોમાં એકતા જળવાઈ રહે તે માટે ગાંધીજીના ગુરૂ લોક માન્ય ટીળક દ્વારા જે રીતે ગણેશોત્સવ કરવામાં આવ્યો હતો. તે જ રીતે પાટીદારો દ્વારા પણ એકતા દર્શાવતો કાર્યક્રમ કરાયો છે. જેમાં હાર્દિક પટેલ હાજર રહેતા મોટી સંખ્યામાં પાટીદારો હાજર રહ્યા હતા.
કિરણ ચોકમાં બેસાડેલા ગણેશજી પાસે પાટીદારો દ્વારા રોજ રોજ મોટી સંખ્યામાં એકઠાં થઈને વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. જેમાં ધૂન, ભજન સહિત એકતા માટેના કાર્યક્રમો અને સાંસ્કૃતિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.