ફિલિપીન્સમાં તબાહી મચાવ્યા બાદ હવે મેંગખુટ વાવાઝોડું દક્ષિણ ચીનમાં પહોંચ્યું છે.
વાવાઝોડાની સાથેસાથે અહીં અતિભારે વરસાદ થઈ રહ્યો છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.
પવનની ગતિ હજી પણ પ્રતિ કલાક 100 કિલોમીટર જેટલી છે. જેને કારણે વાહનવ્યવહારને ભારે અસર પડી છે.
અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને મુખ્ય રસ્તાઓ પણ બંધ છે. જેનાથી લાખો લોકો હાલ ફસાયેલાં છે.
ફિલિપાઇન્સમાં આ વાવાઝોડાને કારણે કુલ 64 લોકોનાં મોત થયાં છે. જ્યારે ચીનના મીડિયાના અહેવાલો પ્રમાણે ત્યાં પણ બે લોકોનાં મોત થયાં છે.
મેંગખુટને 2018નું સૌથી શક્તિશાળી વાવાઝોડું ગણવામાં આવી રહ્યું છે. જેની શરૂઆત ફિલિપાઇન્ઝના મુખ્ય ટાપુ લુઝોનથી થઈ હતી.
20 લાખ લોકોનું સ્થળાંતર
એવી આગાહી કરવામાં આવી રહી છે કે મંગળવાર સુધીમાં આ વાવાઝોડું નબળું પડે તેવી શક્યતા છે.
ચીનમાં વાવાઝોડું પહોંચે તે પહેલાં 20 લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
હોંગ કોંગમાં પણ વાવાઝોડાને જોતાં 900 જેટલી ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.
અહીં મોટાભાગની દુકાનો અને માર્કેટ્સ બંધ છે. ઉપરાંત જાહેર સેવાઓ પણ બંધ છે.
સમાચાર એજન્સી રોયટર્સ સાથે વાત કરતાં એક સ્થાનિકે જણાવ્યું હતું કે ઝડપી પવનને કારણે તેને એવું લાગતું હતું કે ઇમારત જાણે ઝૂલી રહી છે.