૪૪ વર્ષની થઈ ચૂકેલી કાજોલ પોતાની આગામી ફિલ્મ ‘હેલિકોપ્ટર ઈલા’ને લઇને ખૂબ જ ઉત્સાહી છે. પ્રદીપ સરકાર નિર્દેશિત આ ફિલ્મમાં તે એક માતાનું પાત્ર ભજવવા જઇ રહી છે. આ ફિલ્મના માધ્યમથી તે ત્રણ વર્ષ બાદ રૂપેરી પરદે પાછી આવી રહી છે.
આ ફિલ્મની જેમ વાસ્તવિક જિંદગીમાં પણ કાજોલ એક કિશોર બાળકની માતા છે. તે કહે છે કે માતા હોવાના નાતે મેં જે જોયું છે તે લગભગ એ જ પ્રકારનું છે, જેમ મોટા ભાગનાં માતા-પિતા વિચારે છે. માતા-પિતા અને યંગ બાળકો વચ્ચે હંમેશાં ખેંચતાણ રહેતી હોય છે.
માતાની ફરિયાદ રહેતી હોય છે કે તેનું બાળક તેની સાથે ઓછો અને ફોન સાથે વધુ સમય વીતાવે છે, જોકે તેણે તે સમજવું જોઇએ કે તે ખુદ આ માટે જવાબદાર છે. તેણે પોતાના બાળકને સંબંધો અંગે નાનામાં નાની વાત પણ શીખવવી જોઇએ.
કાજોલ પોતાના વિશે વાત કરતાં કહે છે કે હું એક ફુલ મોમ છું, જોકે આ વિશે મારાં બાળકો વધુ કહી શકશે. આમ તો હું થોડી તાનાશાહ પ્રકારની પણ છું. હું એક સારી અને ખરાબ બંનેની વચ્ચે આવતી માતા છું. હું એક હાથે મારાં બાળકોને વાઇ ફાઇ આપી શકું છું તો બીજા હાથે પાછું પણ લઇ શકું છું.
હું મારી આંખોથી જાણી લઉં છું કે મારાં બાળકો શું વિચારે છે. મેં આંખોની આ ભાષા મારી માતા પાસેથી શીખી છે. મારા વિચારમાં મારાં બાળકો મારો લાભ ઉઠાવવાની કોશિશ કરતાં નથી. મારાં બંને બાળકોની પર્સનાલિટી એકબીજાથી સાવ અલગ છે. હું ક્યારેક મારાં બાળકોને સામેથી થોડી છૂટછાટ આપી દઉંં છું. •