સીબીઆઈમાં ચાલી રહેલા ડખામાં સરકારે ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દઈ નાગેશ્વર રાવને કમાન સોંપી દેતાં છંછેડાયેલા આલોક વર્માએ અદાલતના દ્વાર ખટખટાવ્યા છે. આલોક વર્માએ સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમા પડકારતા શુક્રવારે સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.
સરકારે બુધવારે આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે આલોક વર્માની તમામ જવાબદારી તેમનાથી જૂનિયર અધિકારી નાગેશ્વર રાવને સુપરત કરી હતી.
સરકારના આ નિર્ણયને આલોક વર્માએ સુપ્રીમમાં પડકાર્યો છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ પીટીશન દાખલ કરી 26મી ઓક્ટોબર એટલે કે શુક્રવારે સુનાવણી કરવાની તારીખ નક્કી કરી છે. આલોક વર્માએ સીબીઆઈના હંગામી ચીફ બનેલા રાવની નિમણૂંકને પણ પડકારી છે.
ચીફ જસ્ટીસ ગોગોઈની બેન્ચે પીટીશન દાખલ કરી અરજન્ટ હીયરીંગ રાખ્યું છે. સીબીઆઈમાં બે અધિકારીઓ વચ્ચે ઉભી થયેલી ખેંચતાણમાં સરકારે આલોક વર્માને સ્ટેપ ડાઉન કર્યા હતા. રાકેશ અસ્થાના વિરુદ્વ લાંચ કેસ બાદ સીબીઆઈમાં વિવાદ ઘેરાયો હતો. વર્માના વકીલે કહ્યું કે હજુ તેમની નિવૃત્તિને બે મહિના જેટલો સમય બાકી છે ત્યારે સરકાર કારણ વિના તેમને રજા પર ઉતારી શકે નહીં અને અન્ય કોઈને તેમની જગ્યા પર નિમણૂંક આપી શકે નહીં.