IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રવિવારે જોરદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે પોતાની વિસ્ફોટક ઇનિંગ્સથી ચાહકોનું મનોરંજન કર્યું. IPLની 13મી મેચમાં દિલ્હી કેપિટલ્સે CSKને 20 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 191 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં ચેન્નાઈ છ વિકેટ ગુમાવીને માત્ર 171 રન બનાવી શકી હતી. આ સિઝનમાં ચેન્નાઈની આ પહેલી હાર છે જ્યારે દિલ્હીને પહેલી જીત મળી છે.
ચેન્નાઈની હાર છતાં ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તેનું સૌથી મોટું કારણ હતું ધોની. તેણે આઠમા નંબરે ઉતરીને ચાહકોનું મનોરંજન કર્યું હતું. અનુભવી બેટ્સમેને માત્ર 16 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 231.25 હતો. જો કે તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો.
Doesn't matter which team wins,I am here for entertainment
— Mahendra Singh Dhoni (@msdhoni) March 23, 2014
હવે માહીનું 10 વર્ષ જૂનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમાં લખ્યું છે, “કોઈ ટીમ જીતે તેનાથી કોઈ ફરક પડતો નથી, હું અહીં મજા કરવા આવ્યો છું.” સ્ટાર ફિનિશરે 24 માર્ચ 2014ના રોજ આ આગાહી કરી હતી. ધોનીએ આ ટ્વિટ T20 વર્લ્ડ કપ 2014ના ભાગ રૂપે રમાયેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચ બાદ કરી હતી.
ધોનીએ પોતાની ઇનિંગથી નવો રેકોર્ડ બનાવ્યો હતો
ધોનીએ દિલ્હી સામે 16 બોલમાં 37 રનની અણનમ ઇનિંગ દરમિયાન એક નવો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. ધોની ટી20માં સૌથી વધુ રન બનાવનાર ત્રીજો વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. આ મામલે તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે, જેના નામે 6962 રન છે. તેની તોફાની ઇનિંગ્સના કારણે ધોનીએ તેની T20 કારકિર્દીમાં 7036 રન બનાવ્યા અને તે દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને ઇંગ્લેન્ડના જોસ બટલર પછી સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. ડી કોકે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 8578 રન બનાવ્યા છે અને બટલરે 7721 રન બનાવ્યા છે.