સુરત ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતી લૂંટાઈ ગયા હતા અને તેમને માથામાં ઈજા થઈ હતી.
સુરત ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ આશિષ ગુજરાતીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાનનાં ઉદયપુર હાઈવે પર લૂંટારુઓએ તેમની કારને આંતરી લૂંટી લેવાયા હોવાની સનસનાટીપૂર્ણ ઘટના બનતા સુરત સહિત વેપાર-ઉદ્યોગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

વિગતો મુજબ સુરતથી ઉદયપુર જવા માટે આશિષ ગુજરાતી પત્ની અને મિત્રો પરિવાર સાથે ઉદયપુર જવા માટે લક્ઝરીયસ કારમાં નીકળ્યા હતા. ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં આશિષ ગુજરાતીએ પીપળી ગામ નજીક આવેલા રામજી મંદિર પાસે લઘુશંકા કરવા માટે કારમાંથી બહાર નીકળ્યા હતા. આ દરમિયાન બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા ઈસમોએ તેમના પર હૂમલો કરી હથિયાર બતાવી રુપિયા આપી દેવા ધમકી આપી હતી. આશિષ ગુજરાતી કંઈ સમજે વિચારે તે પહેલાં જ એક લૂંટારુએ તેમના ખિસ્સામાંતી પાકિટ અને અન્ય વસ્તુઓ લૂંટી લીધી હતી.
આશિષ ગુજરાતીએ પ્રતિકાર કરવાની કોશિશ કરી પણ લૂંટારુઓ તેમની કાર પાસે પહોંચી ગયા હતા અને પત્ની તથા મિત્રોને રુપિયા આપવા ધમકાવ્યા હતા. અચાનક બનેલા બનાવથી હેબતાઈ ગયેલા પરિવારે લૂંટારુઓને બધી વસ્તુઓ આપી દીધી હતી. લૂંટારુઓનો પ્રતિકાર કરવાનો ફરી વખત પ્રયાસ કરવામાં આવતા લૂંટારુએ આશિષ ગુજરાતીનાં માથામાં જીવલેણ હથિયારથી હૂમલો કર્યો હતો. આશિષ ગુજરાતીને માથામાં ઈજા પહોંચી હતી. તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા જ્યાં તેમના માથામાં ટાંકા આવ્યા હતા.હાલમાં આ અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
