KBC વિવાદ: દિલજીત દોસાંઝે કેમ પડ્યા અમિતાભ બચ્ચનના પગે? SFJ એ ઉઠાવ્યો સવાલ, 1984ના રમખાણો સાથે જોડ્યો મામલો
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુના સંગઠન, શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) એ પંજાબી ગાયક-અભિનેતા દિલજીત દોસાંઝે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પગને સ્પર્શ કરવા બદલ વિરોધ વ્યક્ત કર્યો છે અને 1લી નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર તેના કોન્સર્ટને બંધ કરવાની ધમકી આપી છે. સંગઠનનો આરોપ છે કે આ કૃત્ય 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિતોની “યાદગીરીનું અપમાન” કરે છે.
પન્નુનો આરોપ: “અજ્ઞાનતા નહીં, વિશ્વાસઘાત છે”
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક નિવેદનમાં આ કૃત્યની આકરી નિંદા કરતા કહ્યું:
“અમિતાભ બચ્ચન, જેમના શબ્દોએ 1984ના નરસંહારને હવા આપી હતી, તેમના પગને સ્પર્શ કરીને દિલજીત દોસાંઝે 1984ના શીખ નરસંહારના દરેક પીડિત, દરેક વિધવા અને દરેક અનાથનું અપમાન કર્યું છે.”

તેમણે આગળ કહ્યું કે, “આ અજ્ઞાનતા નહીં, પણ વિશ્વાસઘાત છે. જે શીખોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા, જે મહિલાઓ પર બળાત્કાર થયો હતો, જે બાળકોની હત્યા કરવામાં આવી હતી, તેમની રાખ હજુ ઠંડી પણ નથી થઈ. કોઈ પણ વિવેકપૂર્ણ શીખ 1 નવેમ્બર, સ્મૃતિ દિવસ પર કોઈ પ્રદર્શન કે ઉત્સવ ન મનાવી શકે.”
KBC માં શું થયું હતું?
‘કૌન બનેગા કરોડપતિ 17’માં પોતાની હાજરી દરમિયાન, દિલજીત દોસાંઝ સેટ પર પહોંચતા જ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના પગને સ્પર્શ કર્યો હતો. બચ્ચને, જેમણે ગાયક-અભિનેતાનો પરિચય “પંજાબ દે પુત્તર (પંજાબનો પુત્ર)” કહીને કરાવ્યો, તેમણે દોસાંઝને ગળે લગાવીને દર્શકોની તાળીઓ મેળવી હતી. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી અને યુઝર્સે દોસાંઝના આ વર્તનની ખૂબ પ્રશંસા કરી હતી.
અકાલ તખ્તને પણ વિનંતી
કોન્સર્ટ બંધ કરવાની ધમકી ઉપરાંત, પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠને જત્થેદાર અકાલ તખ્ત સાહિબ, જ્ઞાની કુલદીપ સિંહ ગર્ગજને પત્ર લખીને આગ્રહ કર્યો છે કે તેઓ અભિનેતા-ગાયકને બોલાવે અને 2010ના તખ્તના એ આદેશના સંદર્ભમાં તેમના કૃત્ય પર સ્પષ્ટતા માંગે, જેમાં નવેમ્બર 1984ને “શીખ નરસંહાર માસ” તરીકે માન્યતા આપવામાં આવી હતી.

SFJ એ તમામ “શીખ સંસ્થાઓ, કલાકારો અને દર્શકોને એ રમખાણોના પ્રચાર અથવા લીપાપોતી સાથે જોડાયેલા કોઈપણ કાર્યક્રમ કે સહયોગનો બહિષ્કાર કરવા” હાકલ કરી છે, જે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની તેમના શીખ અંગરક્ષકો દ્વારા હત્યા બાદ થયા હતા.
ઑસ્ટ્રેલિયામાં દિલજીતનો દબદબો
જોકે, આ ધમકીઓ વચ્ચે દિલજીત દોસાંઝ, જે હાલમાં પોતાના ‘ઔરા ટૂર’ માટે ઑસ્ટ્રેલિયામાં છે, તેણે સિડનીમાં સ્ટેડિયમ શોની તમામ ટિકિટો વેચીને પ્રથમ ભારતીય કલાકાર તરીકે ઇતિહાસ રચ્યો છે. શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી, જેમાં કેટલીક ટિકિટ $800 પ્રતિ ટિકિટ સુધી વેચાઈ હતી અને 30,000 પ્રશંસકો હાજર રહ્યા હતા.
