બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનને કથિત રીતે ધમકી આપવા માટે ઉત્તર પ્રદેશથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે આ જાણકારી આપી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આરોપી શાહરૂખ ગુલામનબી ઉર્ફે શેરાએ પોલીસને જણાવ્યું કે, તે બોલીવુડમાં કામ કરવા માંગતો હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સલમાન તેનો ગોડફાધર બને તેમ શેરા ઈચ્છતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, શેરાએ 6 ઓક્ટોબરે ફોન પર સલમાનના પીએને ફોન કરીને તેનો પર્સનલ નંબર માંગ્યો હતો.
અધિકારીએ જણાવ્યું કે, જ્યારે પીએ દ્વારા નંબર આપવાની ના પાડવામાં આવી ત્યારે અભિનેતાએ ગાળ આપવાનું શરૂ કરી દીધું અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી. જે બાદ શેરાએ 13 નવેમ્બરે સલમાના પિતા સલીમ ખાનને ફોન કર્યો અને અભિનેતાનો નંબર માંગ્યો. તેણે દાવો કર્યો કે ગેંગસ્ટર છોટા શકીલ માટે કામ કરી રહ્યો છે. જ્યારે સલીમ ખાને પણ નંબર આપવાની ના પાડી ત્યારે શેરાએ તેમને પણ ધમકી આપી.
વરિષ્ઠ પોલીસ અધિકારી ગિરિશ અનાવકરે જણાવ્યું કે, પોલીસનો સંપર્ક કર્યા બાદ અમે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અજાણ્ચા લોકો સામે મામલો નોંધ્યો. શેરાની અલાહાબાદથી ધરપકડ કરવામાં આવી છે. શેરાને સોમવારે મુંબઈ લાવવામાં આવ્યો હતો અને કોર્ટમાં રજૂ કરાયો હતો.