વાપી જીઆઈડીસી ખાતે આવેલ એન. આર. અગ્રવાલ પેપરમીલના એક ગોડાઉનમાં રાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાના કારણો હજુ સુધી ખબર પડયા નથી પરંતુ આગને કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે. 5થી 6 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા છે.
વાપી જીઆઈડીસીના થર્ડ ફેઇઝ વિસ્તારમાં આવેલા અેન. આર. અગ્રવાલ પેપરમીલમાં રાત્રીના 8 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ પેપરમીલના ગોડાઉનમાં લાગી હતી. જ્યાં પેપર બનાવવા માટેનું રો મટીરીયલ પડ્યું હતું. પેપરના વેસ્ટ જથ્થામાં જ પેપર બનાવવામાં આવતું હતું. જેમાં પેપરની ઘાસડી પડેલી હતી. તેમાં જ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ પ્રારંભિક તો શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળ્યું છે. કંપનીના ગોડાઉનમાં આગ લાગવાના કારણે કોઇપણ પ્રકારનીજાનહાની થવા પામી નથી. કંપની સંચાલકો તેમજ વર્કરોમાં આગના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ આગને કાબૂમાં લેવા માટે 6 જેટલા ફાયર ફાયટરોની મદદ લેવાઇ રહી છે.