ખીલ અળાઈ અને તડકાની કાલિમા જેવા રોગ પણ દેખાય છે.
Adani Hospital: કચ્છમાં સખત ગરમીને કારણે ત્વચાના જુદા જુદા રોગમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધુ ફંગસ અને તડકાની એલર્જીને કારણે જણાતા ચામડીના રોગ વધ્યા છે. જી.કે.જનરલ અદાણી હોસ્પિટલમાં રોજના આવા ફંગસ અર્થાત દાદરના સરેરાશ 70 જેટલા દર્દીઓ સારવાર લેવા આવે છે.
જી.કે.ના ત્વચા નિષ્ણાત ડો. દિપાલી વડુકુલે અને ઐશ્વર્યા રામણીએ કહ્યું કે, ઉનાળામાં ખીલ, ,અળાઈ, તડકાની કાલીમાં જેવા રોગ દેખાતા હોય છે. પરંતુ દાદરનું પ્રમાણ વધ્યું છે, કેમકે ભેજવાળો પરસેવો ચામડીમાં ફૂગ ઉત્પન્ન કરે છે તેનું એક કારણ બેઠાડું અવસ્થા, જીન્સ અને ટાઈટ કપડા પહેરવા તેમજ ઉનાળામાં માનવીની જીવનશૈલી પણ જવાબદાર છે.
આ ઉપરાંત બાળકોમાં ચહેરા ઉપરની ગરમી (પેરીપોરાઇટીસ)ના પણ છૂટ પૂટ દર્દીઓ જોવા મળે છે. ઉનાળામાં થતા આવા ત્વચાના રોગમાં દર્દીઓ પ્રથમ તબીબ પાસે સારવાર લેવાને બદલે પહેલા જાતે જ દવા લઈ રોગને વધુ વકરાવે છે.
દાદર જેવા ફૂગજન્ય ચેપ જણાય તો તબીબોએ લેવાની થતી કાળજી અંગે સૂચવતા ઉમેર્યું કે, દિવસમાં બે વખત સ્નાન કરવું અને શરીર બરાબર લૂછવું, ગરમ પાણી વડે ચેપગ્રસ્ત વસ્તો અલગથી ધોવાં,ફૂગ દૂર રાખવા પથારીના ઓછાડ અને ટુવાલ નિયમિત ધોતાં રહેવું, વસ્ત્રોને અંદરની બાજુ બહાર ઉલટાવી તડકામાં સુકવવા, સુતરાઉ વસ્ત્રો પહેરવા અને ડિટરજન્ટ વડે નિયમિત સફાઈ કરવી.એમ ડો.પ્રેરક કથીરીયા અને ડો. માનસી પીઠડીયાએ જણાવ્યું હતું.
દાદર પ્રસરે નહીં એ માટે સંભાળ લેવા અંગે તબીબોએ જણાવ્યું હતું કે, ભેજવાળા વસ્ત્રો પહેરવાનું ટાળવું, ચેપગ્રસ્ત વસ્ત્રો સહિયારા નહીં વાપરવા, સાર્વજનિક સ્થળોએ ઉઘાડા પગે ફરવું નહીં, ફૂગ પ્રતિરોધક સ્ટીરોઇડ સંયોજીત ક્રીમ વાપરવી નહીં,ડોક્ટર્સની સલાહ વિના સારવાર બંધ કરવી જ નહીં, જાતે ઉપચાર કરવાનું ટાળવું અને તબીબની સલાહ વિના બહારથી દવા ખરીદવાની નહીં જેવા સૂચનો પાલન થાય તો આ ચેપ કાબૂમાં કરી શકાય છે.