Dharampur:
- પ્રાકૃતિક ખેતી ન અપનાવવામાં આવે તો અસાધ્ય રોગો લોકોનો ભરડો લેશેઃ ડાયરેકટર ડી.એન.પટેલ
- દેશી ગાય અને હોલેસ્ટીન ગાયના ગોબરની અસર પ્રેકટીકલ પ્રયોગ કરી બતાવવામાં આવીધરમપુરના તિસ્કરી તલાટ ગામમાં આવેલી શ્રી બંસીધર ગીર ગૌશાળા ખાતે વલસાડના આત્મા પ્રોજેક્ટના નેજા હેઠળ પ્રાકૃતિક ખેતી અને પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો. જેમાં ખેડૂતોને પ્રેકટીકલ શિક્ષણ આપવામાં આવ્યું હતું.
સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ખેતીની જરૂરીયાત અને રાસાયણિક ખેતીના દુઃષ્પરિણામ વિશે આત્મા પ્રોજેક્ટના ડાયરેકટર ડી.એન.પટેલે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાફસા વિશે વિસ્તૃત જાણકારી સાથે બંસીધર ગીર ગૌશાળાના સંચાલક ઠાકોરભાઈ પટેલના ફાર્મ પર પ્રેકટીકલ નિદર્શન કરાવવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેકટર શ્રીપટેલે વધુમાં જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી નહીં અપનાવવામાં આવે તો અસાધ્ય રોગો જેવા કે, ડાયાબીટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને કેન્સરના રોગો વધારે લોકોનો ભરડો લેશે. મોટી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોને સમાજને બચાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરવામાં આવ્યું હતું.
બપોર પછીના સેશનમાં ગૌશાળાના સંચાલક અને જિલ્લાના શ્રેષ્ઠ પશુપાલક તેમજ જિલ્લા શ્રેષ્ઠ આત્મા ફાર્મર તરીકે સન્માન મેળવનાર ઠાકોરભાઈ પટેલે દેશી ગાય, દેશી ગાયના પાંચ ગવ્યોમાંથી બનતી પ્રોડક્ટ વિશે થિયરી અને પ્રેકટીકલ જ્ઞાન આપ્યું હતું. જેમાં ગોનાઈલ, ધૂપબત્તી, પંચગવ્ય માલીસ તેલ, પંચગવ્ય નસ્ય, પંચગવ્ય દર્દનાશક તેલ, પંચગવ્ય બામ, મોબાઈલ ચીપ, પંચગવ્ય શેમ્પુ, પંચગવ્ય હર્બલ સાબુ, પંચગવ્ય દંતમંજન, ગૌ અર્ક સહિત વાતનાશક તેલનો સમાવેશ થાય છે.
પંચગવ્ય બનાવટ માટે જરૂરી વન્સ્પતિની ઉપલબ્ધતા અને પંચગવ્યના ફાયદા વિશે ઠાકોરભાઈએ વિસ્તૃત માહિતી આપી હતી. આ સાથે દેશી ગાય અને હોલેસ્ટીન ગાયના ગોબરની અસર પ્રેકટીકલ પ્રયોગ કરી બતાવવામાં આવી હતી. ગોબરથી બનેલી ચીપથી થતા ફાયદા વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માજી ધારાસભ્ય હીરાભાઈ આર. ચૌધરી, બિલપુડીની બીઆરએસ કોલેજના આચાર્યા કોમલબેન, તિસ્કરી તલાટ ગામના સરપંચ દિનેશભાઈ ભોયા સહિત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ વનિતાબેન ઠાકોરભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.