Pavagadh: પાવાગઢ તીર્થ ક્ષેત્રમાં મહાકાળી માતાજીના મંદિર પાસે આવેલા જૂના પગથીયા પાસે બિરાજમાન જૈન તીર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ તોડવામાં આવતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે પાવાગઢ ખાતે હવે પ્રતિમાઓ પુન:સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આ સમગ્ર મામલાની તપાસ પંચમહાલ ડીએસપીને સોપવામાં આવી હોવાની જાણકારી ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ટવીટ કરી આપી છે.
ગઈકાલે મોડી રાત્રે સુરત શહેર અને નવસારીમાં જૈનાચાર્યો સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ સુરત અને નવસારી જિલ્લા કલેકટર કચેરીએ વિરોધ પ્રદર્શન માટે પહોંચ્યા હતા. બંને શહેરોમાં સોમવારે સવારથી આંદોલનમાં જોડાયેલા જૈનાચાર્યો સહિત નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત રાખ્યું હતું. બકરી ઈદની રજા હોવા છતાં જૈન સમાજના વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને કલેકટર કચેરીના પ્રાંગણમાં અને બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
ઉલ્લેખનીય છે, પાવાગઢ ખાતે શ્વેતાંબર જૈન મૂર્તિઓને નુકશાન કરાયુ હોવાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા જિલ્લા કલેકટરના નિવાસસ્થાને પહોંચી જઈને આવેદનપત્ર સુપરત કરીને આ દુષ્કૃત્ય માટે જવાબદાર વ્યકિતઓની સામે કાયદાકીય પગલાં ભરવાની માંગણી કરી હતી.
હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડી ખંડીતને ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે.
રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલા લેવા માટે માંગ કરી હતી. દરમિયાન, જૈન તીર્થંકરોની પ્રતિમાઓ જયાં સુધી સ્તાપિત ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી સાથે સોમવારે પણ સુરત અને નવસારીમાં સવારથી મોટી સંખ્યામાં જૈન સમાજના નાગરિકો કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જૈનાચાર્યોની હાજરીમાં જૈન સમાજના લોકોએ ધરણાં યોજયા હતા. પ્રતિમાઓને ઉખાડીને ફેંકનારા જવાબદારો વિરૂધ્ધ કાર્યવાહીની માગ પણ ઉઠાવી છે.
બેઠક યોજાઈ
પાવાગઢમાં પ્રાચીન જૈન પ્રતિમાને ખંડિત કરવાના મામલે સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ દ્વારા તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી.
આ બેઠકમાં અમદાવાદ જૈન મહાસંઘ દ્વારા પ્રતિમાજી ખંડિત કરવાની ઘટનામાં જે પણ કોઈ જવાબદાર હોય તેઓની તાત્કાલિક ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી. આ મામલે અમદાવાદ કલેકટરને તા.19મીએ સવારે 10-30 કલાકે આવેદન આપવા સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘે આહવાન કર્યુ છે.
સોમવારે સવારે શાહીબાગ ગિરધરનગર જૈન સંઘમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા અને આ સમગ્ર દુષ્કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું. યુવાનોએ સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાની મુલાકાત લઈ પોતાની લાગણી વ્યકત કરી હતી. જૈન યુવા સંઘ સંગઠનના સુરેશભાઈ ચેન્નઈ, જૈન યુવક મહાસંઘના ભદ્રેશ શાહ વગેરે જણાવ્યું હતું કે મૂર્તિ ખંડીત કરવાનું બેજવાબદાર કૃત્ય કરનાર વિરૂધ્ધ સરકાર અને પુરતત્વ ખાતા દ્વારા પગલા લેવાવા જોઈએ.
સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘની માંગ
- પ્રાચીન જૈન ધરોહરને જાળવી રાખવા માટે વર્ષોથી જે જગ્યાની વ્યવસ્થા માટે માગણી કરવામાં આવી છે તે સોંપવામાં આવે.
- પાવાગઢમાં પ્રાચીન જૈન મંદિરોને જૈન ધર્મની પેઢીને સોંપી સોંપવામાં આવે.
- પાલીતાણાના સંદર્ભમાં બે વર્ષથી ટાસ્ક ફોર્સની રચના થઈ તેનું તાત્કાલિક અમલીકરણ
- જૈન ધર્મના તીર્થસ્થાનોની સુરક્ષા, જાળવણી માટે જૈન ધર્મગુરૂઓને સાથે રાખી ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી પગલા ભરવામાં આવે.
- કોર્ટમાં વર્ષોથી જે મુદ્દા છે તે કેસોને ફાસ્ટ ટ્રક પર ચલાવી અને નિર્ણય લાવવામાં આવે.
પાવાગઢ જૈનમૂર્તિ વિવાદ: પૂ.વિરાગચંદ્ર સાગરજીએ સ્પષ્ટ વાત કરતા કહ્યું કે
આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી એટલે દર વખતે વિનવણી કરવી પડે છે, જાગૃત બનો. પાવાગઢ જૈન મૂર્તિ વિવાદ: જૈન મહારાજ પૂ. વિરાગ ચંદ્ર સાગર ભાવવંતનું મોટું નિવેદન, આપણે નોટ બેંક છીએ, વોટ બેંક નથી. પાવાગઢમાં જૈન મંદિરમાં જૈન મૂર્તિ ખંડિત થયા બાદ સુરતમાં પણ જૈન સમાજના લોકો કલેક્ટર કચેરી પહોચી રજૂઆત કરી હતી.પાવાગઢ જૈન મૂર્તિ વિવાદ મુદ્દે જૈન મહારાજે મોટું નિવેદન આપ્યું છે.