અમેરિકામાં UPSનું કાર્ગો વિમાન ક્રેશ, દુર્ઘટનામાં 7નાં મોત, આકાશ ધુમાડા અને આગની લપેટોથી છવાયું
અમેરિકાના કેન્ટકી રાજ્યના લુઈસવિલે શહેરમાં મંગળવારે સાંજે એક UPS કાર્ગો વિમાન ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. આ અકસ્માત લગભગ સાંજે 5 વાગ્યે થયો. UPS ફ્લાઇટ 2976 લુઈસવિલેના મુહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ થઈ હતી, પરંતુ તરત જ ક્રેશ થઈ ગઈ. આ દુર્ઘટનામાં 7 લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું કે દુર્ઘટનાગ્રસ્ત વિમાન MD-11 મોડેલનું હતું અને તે ટેકઓફના તરત જ બાદ અકસ્માતનો શિકાર બન્યું. દુર્ઘટના બાદ એરપોર્ટને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે અને તપાસની જવાબદારી નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ને સોંપવામાં આવી છે.

કેન્ટકીના ગવર્નરનું નિવેદન
ગવર્નર એન્ડી બેશિયરે કહ્યું, “લુઈસવિલેથી આવેલા સમાચાર ખૂબ જ દુઃખદ છે. અત્યાર સુધીમાં સાત લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે અને આ આંકડો વધી શકે છે. રાહતકર્મીઓ ઘટનાસ્થળે હાજર છે અને આગ ઓલવવા તેમજ બચાવ કાર્યમાં લાગેલા છે.”
લુઈસવિલે મેટ્રો પોલીસ અને અન્ય એજન્સીઓ રાહત કાર્યમાં જોડાયેલી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટની આસપાસનું આકાશ કાળા ધુમાડા અને આગની લપેટોથી છવાઈ ગયું હતું.
UPSનું લુઈસવિલે હબ
લુઈસવિલે એરપોર્ટ UPS નું સૌથી મોટું સંચાલન કેન્દ્ર છે. અહીં કંપનીનું મુખ્ય લોજિસ્ટિક્સ હબ “વર્લ્ડપોર્ટ” આવેલું છે, જે લગભગ 50 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. આ કેન્દ્રમાં દરરોજ લગભગ 12 હજાર કર્મચારીઓ લગભગ 20 લાખ પાર્સલ પ્રોસેસ કરે છે.
સુરક્ષા કારણોસર એરપોર્ટના 8 કિલોમીટરના વિસ્તારમાં ‘શેલ્ટર-ઇન-પ્લેસ’ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે લોકોને ઘરની અંદર જ રહેવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, વિમાનમાં લગભગ 38 હજાર લિટર ઇંધણ હતું, જે અકસ્માતને વધુ ગંભીર બનાવે છે.
❗️⚠️🇺🇸 – A McDonnell Douglas MD-11 cargo aircraft, operating as UPS Flight 2976, crashed shortly after takeoff from the UPS Worldport hub at Muhammad Ali International Airport in Louisville, Kentucky.
The incident triggered a massive explosion and fire that engulfed multiple… pic.twitter.com/Ry7Tgn7Yh9
— 🔥🗞The Informant (@theinformant_x) November 4, 2025
UPS નું નિવેદન
UPS એ કહ્યું, “અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. અમારી સંવેદનાઓ અસરગ્રસ્ત તમામ લોકોની સાથે છે. અમારી પ્રાથમિકતા હંમેશા કર્મચારીઓ, ગ્રાહકો અને જે સમુદાયોની અમે સેવા કરીએ છીએ, તેમની સુરક્ષા રહી છે.”
વિમાન અને રાહત કાર્યની માહિતી
દુર્ઘટનાગ્રસ્ત વિમાન MD-11F મોડેલનું હતું, જેને 1991 માં બનાવવામાં આવ્યું હતું. તે ખાસ કરીને માલવાહક સેવાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે અને UPS, FedEx અને Lufthansa Cargo જેવી કંપનીઓ તેનો ઉપયોગ કરે છે.
NTSB એ તપાસ શરૂ કરી દીધી છે અને લુઈસવિલે એરપોર્ટના કાર્યકારી નિર્દેશક ડેન મેને જણાવ્યું કે તપાસ માટે લગભગ 28 સભ્યોની ટીમ મોકલવામાં આવી છે. બચાવ દળ અને ફાયર ફાઇટર્સ આગ પર કાબૂ મેળવવામાં સફળ રહ્યા છે અને હવે તેઓ સંભવિત પીડિતોની શોધ કરી રહ્યા છે.
