ચેમ્બર ઓફ કોમર્સ દ્નારા સુરતના સરસાણા ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી માટેના સ્પાર્કલ એક્ઝિબિશન-2018મું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ગુજરાતના મંત્રી ગણપત વસાવાએ એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું પરંતુ એક્ઝિબિશનમાં ચોરીનો બનાવ બનતા સૌ કોઈ ચોંકી ઉઠયા છે.
સીસીટીવીમાં કેદ ચોરીની આ ઘટનામાં હાઈપ્રોફાઈલ ચોરી પોતે ડાયમંડ સ્ટોલ પર આવીને ઉભો રહે છે. શાંતિથી બેસે છે અને પછી બધાની નજર ચૂકવીને આરામથી કાચના ટેબલના ખાનામાંથી હીરા જડિત દાગીના ઉઠાવી જાય છે.
ચોરની હરકત પર આટલા બધા કર્મચારીઓ હાજર હોવા છતાં કોઈની નજર પડતી નથી એ નવાઈની વાત છે. એવું પણ નથી કે સ્ટોલ પર ગ્રાહકોનો ધસારો છે અને કર્મચારીઓનું ધ્યાન ચોર પર ન હોય. ગ્રાહકો પણ નથી અને કર્મચારીઓ ગપ્પા-સપ્પા મારી રહ્યા છે તેવામાં ચોર દાગીના ભરેલી બેગને ઉંચકે છે, મોબાઈલ ફોન પર વાત કરવાની સ્ટાઈલ અપનાવે છે, સ્ટોલમાંથી બહાર નીકળે છે, આજુબાજુ જુએ છે અને રફૂુચક્કર થઈ જાય છે.
આ ઘટના એક્ઝિબિશનનાં સ્ટોલ નંબર 212માં બની હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે છ લાખ રૂપિયાના ડાયમંડના દાગીનાની ચોરે ઉચાપત કરી છે. ચોરને શોધી કાઢવા માટે સીસીટીવી ફૂટેજના આધારે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે.