એન્ટિબાયોટિક દવાઓનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છો તો સાવધાન થઈ જાઓ, નવા રોગનું જોખમ વધી રહ્યું છે
WHOના એક અહેવાલ મુજબ વર્ષ 2023માં દર 6માંથી 1 બેક્ટેરિયલ ઇન્ફેક્શન એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિરોધક (Resistant) જણાયું છે. તેનો અર્થ છે કે આટલા બેક્ટેરિયલ ઇન્ફેક્શન પર સામાન્ય દવા કામ નથી કરી રહી.
જો તમને માથાનો દુખાવો, ઉધરસ, તાવ કે શરદી જેવા હળવા લક્ષણો હોય અને તમે ડોક્ટરને પૂછ્યા વગર જ વારંવાર દવા ખાઈ લો છો, તો હવે સાવધાન થઈ જાવ. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પ્રકારનું સેલ્ફ મેડિકેશન અને એન્ટિબાયોટિક દવાઓનો વારંવાર ઉપયોગ શરીરમાં એવી પરિસ્થિતિ ઊભી કરી રહ્યું છે, જેમાં દવા અસર કરવાનું બંધ કરી દે છે. આને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ (પ્રતિરોધકતા) કહેવામાં આવે છે, જે આવનારા સમયમાં એક મોટી સ્વાસ્થ્ય સમસ્યા માનવામાં આવી રહી છે.
રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના એક નવા અહેવાલ મુજબ વર્ષ 2023માં દર 6માંથી એક બેક્ટેરિયલ ઇન્ફેક્શન એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિરોધક જણાયું છે. તેનો અર્થ એ છે કે આટલા બેક્ટેરિયલ ઇન્ફેક્શન પર સામાન્ય દવા કામ કરી રહી નહોતી.

- WHO એ જણાવ્યું કે મૂત્ર માર્ગ (Urinary Tract) અને બ્લડ ફ્લોમાં ઇન્ફેક્શન પેદા કરનારા જીવાણુઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળી છે.
- ગ્લોબલ એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ સર્વેલન્સ રિપોર્ટ 2025 અનુસાર, ભારત સહિત દક્ષિણ પૂર્વીય એશિયાના ક્ષેત્રમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સનો દર સૌથી વધુ છે.
- રિપોર્ટ મુજબ, ભારતમાં બ્લડ ફ્લો ઇન્ફેક્શનના 70 ટકા અને ઈ. કોલાઈ ઇન્ફેક્શનના 78 ટકાથી વધુ કેસો એન્ટિબાયોટિક દવાઓ સામે પ્રતિરોધક જણાયા છે.
આનો અર્થ એ છે કે સામાન્ય દવા હવે કામ નથી કરી રહી અને સારવાર મુશ્કેલ બની રહી છે.
કેમ વધી રહ્યું છે જોખમ?
નિષ્ણાતોનું કહેવું છે કે લોકો ડોક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક ખરીદી લે છે અને દવાનો કોર્સ અધૂરો છોડી દે છે. આનાથી શરીરના માત્ર હાનિકારક બેક્ટેરિયા જ નહીં, પરંતુ ફાયદાકારક બેક્ટેરિયા પણ મરી જાય છે. જેના કારણે ધીમે ધીમે શરીરમાં એવા જીવાણુઓ પેદા થવા લાગે છે જે કોઈપણ દવા દ્વારા ખતમ થતા નથી. આ કન્ડિશન એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ કહેવાય છે.
ડોક્ટરોના મતે, જો આ કન્ડિશન આવી જ બની રહી, તો નોર્મલ વાયરલ પણ ગંભીર સ્વરૂપ લઈ શકે છે. એવા સંજોગોમાં દર્દીઓને વધુ સમય સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે અને સારવારનો ખર્ચ પણ વધશે. આ અંગે WHO એ પણ ચેતવણી આપી છે કે જો હવે પણ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આવનારા વર્ષોમાં આ સમસ્યા વધુ ખતરનાક બની શકે છે.

શું કરવું અને શું ન કરવું?
- દરેક નાની બીમારીમાં કોઈપણ એન્ટિબાયોટિક દવાનું સેવન ન કરો અને જો બીમારીમાં સુધારો ન દેખાય તો ડોક્ટરની સલાહ પર જ એન્ટિબાયોટિક દવા લો.
- દવાનો કોર્સ પૂરો કરો, તેને અધૂરો ન છોડો.
- વળી, જે દવા ડોક્ટરે તમારા માટે લખી છે, તે બીજા કોઈને ન આપો.
- સાથે જ સ્વચ્છતાનું ધ્યાન રાખો અને શક્ય હોય તેટલું ઇન્ફેક્શનથી બચવાનો પ્રયાસ કરો.
