Ahmedabad Vadodara Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક ટ્રક અને લકઝરી બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
તમામ ઇજાગ્રસ્તોને આણંદની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. લક્ઝરી બસમાં પંચર પડતાં સવારે સાડા ચાર વાગ્યે આ અકસ્માત થયો હતો.
મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહેલી બસને પાછળથી અકસ્માત નડ્યો હતો. પંચર પડતાં બસ હાઇવેની સાઈડમાં ઉભી હતી. બસની નીચે ડ્રાઈવર, ક્લીનર અને મુસાફરો ઉભા હતા. આ દરમિયાન પાછળથી આવતી ટ્રકે બસને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો.
માહિતી મળતાં જ હાઇવે પેટ્રોલિંગ ટીમ, આણંદ ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ સહિતની ઇમરજન્સી સેવાઓએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં અનેકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.