Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના ડોડામાં એન્કાઉન્ટરમાં સેનાના અધિકારી સહિત ચાર જવાનોના શહીદ થવાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડોડા જિલ્લાના દેસાના જંગલોમાં સોમવારે મોડી રાત્રે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જેના કારણે આર્મી ઓફિસર સહિત પાંચ જવાન ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન ચાર જવાનોના મોત થયા હતા. હાલ સુરક્ષા દળો આતંકીઓને શોધી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસની SOG ટીમે સોમવારે સાંજે લગભગ 8.45 વાગ્યે દેસા જંગલ વિસ્તારના ધારી ગોટે ખરારબાગીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જે બાદ સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો અને સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું. આ અથડામણમાં સેનાના પાંચ જવાનો ઘાયલ થયા હતા, જેમાંથી ચારના સારવાર દરમિયાન મોત થયા હતા.
એન્કાઉન્ટર 20 મિનિટથી વધુ ચાલ્યું હતું
અધિકારીઓના જણાવ્યા અનુસાર એન્કાઉન્ટર દરમિયાન બંને તરફથી 20 મિનિટથી વધુ સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. જેમાં એક અધિકારી સહિત સેનાના ચાર જવાન અને જમ્મુ-કાશ્મીર પોલીસના એક જવાન ઘાયલ થયા હતા. આ પછી તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ચારના મોત થયા હતા.
ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
આર્મીના 16 કોર્પ્સના જણાવ્યા અનુસાર, ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ડોડાના ઉત્તરમાં સામાન્ય વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન રાત્રે લગભગ 9 વાગે આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો.
જે બાદ આ એન્કાઉન્ટર શરૂ થયું હતું. પ્રારંભિક અહેવાલમાં સૈનિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે હવે આ ઓપરેશન માટે વધારાના સૈનિકો મોકલવામાં આવ્યા છે. અને આતંકવાદીઓની શોધખોળ ચાલુ છે. આર્મીની 16 કોર્પ્સ (વ્હાઈટ નાઈટ કોર્પ્સ)એ આ અંગે માહિતી આપી છે.
કાશ્મીર ટાઈગર્સે જવાબદારી લીધી
આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ હુમલાની જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે કાશ્મીર ટાઈગર્સ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું એક જૂથ છે. કાશ્મીર ટાઈગર્સે થોડા દિવસો પહેલા કઠુઆમાં સેનાના કાફલા પર પણ હુમલો કર્યો હતો. તમને જણાવી દઈએ કે જમ્મુ ડિવિઝનના ડોડામાં એક મહિનામાં આ પાંચમી આતંકી ઘટના છે. આ પહેલા 9 જુલાઈના રોજ પણ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જ્યારે 26 જૂને થયેલા આતંકી હુમલામાં એક આતંકવાદી માર્યો ગયો હતો. 12 જૂને આતંકવાદીઓએ બે હુમલા કર્યા હતા.