‘સજાનો ખુલાસો ન કરવા બદલ ઉમેદવારી રદ થશે’, બિહાર ચૂંટણી વચ્ચે સુપ્રીમ કોર્ટનો કડક નિર્ણય
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ખાસ કરીને એવા રાજ્યો માટે મહત્વપૂર્ણ છે, જ્યાં ગુનાહિત પૃષ્ઠભૂમિ (criminal background) ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધુ છે. બિહારમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ઘણો મહત્વનો છે.
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા (transparency) સુનિશ્ચિત કરવા માટે એક ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર નામાંકન પત્રમાં પોતાની કોઈપણ ગુનાહિત સજાનો ખુલાસો નહીં કરે, ભલે તે સજા નજીવી હોય અને બાદમાં હાઈકોર્ટ દ્વારા રદ કરી દેવાઈ હોય, તો પણ તેની ઉમેદવારી રદ થઈ જશે. આ નિર્ણય બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે આવ્યો છે, જે રાજકીય પક્ષો માટે એક મોટો આંચકો સાબિત થઈ શકે છે.

કોર્ટે આ મામલે સંભળાવ્યો નિર્ણય
આ નિર્ણય મધ્ય પ્રદેશના ભીકનગાંવના નગર કાઉન્સિલર પૂનમના કેસમાં આવ્યો છે. પૂનમ પર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ (1881)ની કલમ 138 હેઠળ ચેક બાઉન્સના કેસમાં ટ્રાયલ કોર્ટે એક વર્ષની સજા સંભળાવી હતી.
નામાંકન પત્રમાં સજાનો ઉલ્લેખ ન કર્યો
જોકે, બાદમાં હાઈકોર્ટે આ સજાને ઉલટાવી (reversal) દીધી હતી, પરંતુ પૂનમે નામાંકન પત્રમાં આ સજાનો ઉલ્લેખ કર્યો નહોતો. નીચલી અદાલતોએ તેમની ઉમેદવારી રદ કરી દીધી હતી, જેના વિરુદ્ધ તેમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.

જાણો જજે શું કહ્યું?
જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે ગુરુવારે વિશેષ રજા અરજી (SLP) ને રદ્દ કરતા કહ્યું કે, “નામાંકન પત્રમાં દોષસિદ્ધિનો ખુલાસો ન કરવો એ મતદારોના અધિકારોનું સીધું ઉલ્લંઘન છે. રદ કરાયેલી સજાનો અર્થ એ નથી કે ઉમેદવારને તેને છુપાવવાનો અધિકાર છે.”
સોગંદનામામાં દોષસિદ્ધિઓનો ઉલ્લેખ ફરજિયાત
આ સાથે જ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણીના સોગંદનામામાં (affidavit) તમામ જૂની દોષસિદ્ધિઓનો ઉલ્લેખ ફરજિયાત છે, ભલે ગુનો નાનો હોય કે સજા બાદમાં ઉલટાવી દેવામાં આવી હોય.
