Gujarat Farmers Relief Package: 9 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી પણ થશે.
Gujarat Farmers Relief Package: ગુજરાતના ખેડૂતો માટે શુક્રવારનો દિવસ આશાની કિરણ લઈને આવ્યો હતો. કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક જિલ્લામાં પાકને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે અંતે ખેડૂતોને રાહત આપતી ઐતિહાસિક જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે કે ધરતીપુત્રોની આ મુશ્કેલ ઘડીએ સરકાર તેમની સાથે ખભે ખભો મિલાવીને ઉભી છે અને ખેડૂતોના હિત માટે રૂ.10,000 કરોડનું રાહત સહાય પેકેજ અમલમાં મુકવામાં આવશે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) પર લખ્યું કે, “ગુજરાતમાં આ વર્ષે ગત બે દાયકામાં ન જોવા મળેલો કમોસમી વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓના ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થયું છે. અમે પ્રત્યક્ષ રીતે ગામસ્તર પર જઈને ખેડૂતોની વ્યથા જાણી છે અને હવે રાજ્ય સરકારે તેમના આર્થિક પુનઃસ્થાપન માટે મોટું પગલું ભર્યું છે.”

તેમણે જણાવ્યું કે કુદરતી આફતની આ ઘડીમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની સાથે છે. “આપણા અન્નદાતાઓને આર્થિક ટેકો આપવા માટે રૂ.10 હજાર કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે,” એમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું.
સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે 9 નવેમ્બરથી રાજ્યભરમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી શરૂ થશે. આ માટે આશરે રૂ.15,000 કરોડના ખર્ચનો અંદાજ છે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, “અન્નદાતાઓની આર્થિક સુખાકારી માટે સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે અને રહેશે.”
રૂ.૧૦,૦૦૦ કરોડનું રાહત – સહાય પેકેજનો નિર્ણય
રૂ.૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદીનો નિર્ણય
ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને કારણે કૃષિ પાકને મબલખ નુકસાનનું પંચકામ દ્વારા અને વિવિધ રીતે અંદાજ લઈને માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને માનનીય નાયબ મુખ્યમંત્રી… https://t.co/QoXRkGQh8Z
— Jitu Vaghani (@jitu_vaghani) November 7, 2025
ગત મહિને પડેલા અસમયે વરસાદના કારણે પાકના નાશ પછી રાજ્ય સરકારે 4800થી વધુ ટીમો બનાવીને યુદ્ધના ધોરણે સર્વે હાથ ધર્યો હતો. આ સર્વેના આધારે ખેડૂતોને સહાય વધુ ઝડપથી મળી શકે તે માટે કૃષિ વિભાગ દ્વારા વિશેષ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કૃષિમંત્રી જિતુ વાઘાણી દ્વારા તૈયાર કરાયેલ સર્વે રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા બાદ આ ઐતિહાસિક રાહત પેકેજની જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી છે.
આ નિર્ણયથી હજારો ખેડૂતોને આશાની કિરણ મળી છે, જ્યારે સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કુદરતી આફતો વચ્ચે પણ ગુજરાતના ખેડૂતો એકલા નથી — સરકાર તેમની સાથે છે.

