Gujarat Farmer Relief Package: ટેકાના ભાવની ખરીદીને લઈ સરકારનો મોટો નિર્ણય
Gujarat Farmer Relief Package: ગુજરાતના ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. પરંતુ હવે રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહારો આપવા માટે વિશાળ પગલું ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું છે કે રાજ્ય સરકાર 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ લાવી રહી છે, સાથે જ 15 હજાર કરોડથી વધુની ટેકાના ભાવ પર પાક ખરીદી પણ શરૂ થવાની છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આપી માહિતી
ભૂપેન્દ્ર પટેલે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “રાજ્યના અન્નદાતાઓને મદદરૂપ થવા માટે અમારી સરકાર 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કરે છે. સાથે જ 9 નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે કુદરતી આફતની આ ઘડીમાં સરકાર ખેડૂતોની વ્યથા સમજીને તેમના પડખે ઊભી છે, અને રાજ્યના દરેક ખેડૂતોની આર્થિક સુખાકારી માટે પ્રતિબદ્ધ છે.

કમોસમી વરસાદથી મોટું નુકસાન
ગત ઓક્ટોબરના અંતથી શરૂ થયેલા અસાધારણ કમોસમી વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાકને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઘણા વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાક તબાહ થઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે શરૂ કરાવ્યો હતો.
આ કામગીરી માટે 4800થી વધુ ટીમો કાર્યરત રહી હતી, જેથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ઝડપથી મળી શકે. મુખ્યમંત્રીએ ખુદ ગાંધીનગરથી સમગ્ર પ્રક્રિયાની મોનિટરીંગ કરી અને જિલ્લાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહ્યા.
ટેકાના ભાવની ખરીદીનો મોટો નિર્ણય
રાહત પેકેજ સિવાય પણ સરકારે ખેડૂતોને વધુ સપોર્ટ આપવા ટેકાના ભાવની ખરીદી માટે 15 હજાર કરોડથી વધુનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી મુખ્યત્વે મગફળી, મગ, અડદ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને સીધો ફાયદો થશે.
સરકારના આ પગલાથી ખેડૂતોના પાકને યોગ્ય ભાવ મળશે અને બજારમાં આવકમાં વધારો થશે.
ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
આ સંદર્ભે, મેં તથા મારા સાથી મંત્રીશ્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 7, 2025
ખેડૂતોના હિતમાં સંવેદનશીલ સરકાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોના હિત માટે પ્રતિબદ્ધ રહી છે. “અન્નદાતા સુખી તો દેશ સુખી,” એ વિચાર સાથે સરકારે આર્થિક રાહત અને પાક ખરીદી બંનેની જાહેરાત કરી છે.
આ પગલાથી રાજ્યના લાખો ખેડૂતોને સીધો ફાયદો થશે અને ગ્રામ્ય અર્થતંત્રને નવી તાકાત મળશે.

