Gujarat Farmers Relief Package: ખેડૂત સહાય પેકેજ પર ગરમાયું ગુજરાત!
Gujarat Farmers Relief Package: ગુજરાતમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી થયેલા ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાનું વિશાળ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ ગુજરાતના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું માનવામાં આવી રહ્યું છે અને દેશભરમાં પણ આ કદનું બીજું સહાય પેકેજ ગણાય છે.
સરકારના આ નિર્ણયથી એક બાજુ કેટલાક ખેડૂતોને રાહતની લાગણી છે તો બીજી તરફ અનેક જગ્યાએ અસંતોષ અને ગમનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ભાજપ નેતા અને સાવરકુંડલા APMCના ડિરેક્ટર ચેતન માલાણીએ આ પેકેજને “ખેડૂતો સાથેની ક્રૂર મજાક” ગણાવી ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
ચેતન માલાણીએ વીડિયો જાહેર કરીને કહ્યું કે તેઓ ખેડૂતના દીકરા તરીકે પોતાના મનની વેદના વ્યક્ત કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ, સરકાર દ્વારા પ્રતિ વીઘે માત્ર ₹3520 અથવા પ્રતિ હેક્ટરે ₹22,000 સહાય નક્કી કરાઈ છે અને બે હેક્ટર સુધીની મર્યાદા રાખવામાં આવી છે. એટલે કે ખેડૂતને વધુમાં વધુ ₹44,000 સુધી સહાય મળશે. પરંતુ હકીકતમાં ખેડૂતોને પ્રતિ વીઘે આશરે ₹30,000નું નુકસાન થયું છે, જેની સામે મળતી સહાય માત્ર 10 ટકા જેટલી છે.

તેમણે કહ્યું કે, “સરકાર પોતે કહે છે કે ખેડૂતોને 80 થી 100 ટકા નુકસાન થયું છે, તો પછી વળતર એટલું ઓછું કેમ? આ તો ખેડૂતની લાગણીઓ સાથેનો ઉપહાસ છે.” એમ કહીને તેમણે ભાજપના પ્રાથમિક અને સક્રિય સભ્યપદેથી રાજીનામું જાહેર કર્યું છે.
સરકારની જાહેરાતનું વિગતવાર ગણિત
રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે આ પેકેજ ખરેખર ઐતિહાસિક છે અને ખેડૂતોના હિત માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમના જણાવ્યા મુજબ, ક્યારેય આવી પ્રકારની કમોસમી વરસાદની પરિસ્થિતિ જોવા મળી નથી, તેથી સરકારે વિનમ્ર ભાવે સહાય જાહેર કરી છે.
સરકાર અનુસાર, જો કોઈ ખેડૂતના ખેતરને માવઠાની સીધી અસર થઇ હોય અને તે અરજી કરે, તો તેને પણ આ સહાય મળશે. સરકારએ સ્પષ્ટ કર્યું છે કે પ્રતિ હેક્ટર દીઠ ₹22,000ની મર્યાદા રહેશે અને સહાય 2 હેક્ટર સુધી જ મળશે.
કુલ સહાય રકમમાં 9815 કરોડ રૂપિયાનું વિતરણ થશે, પરંતુ કુલ 10 હજાર કરોડનું પેકેજ જાહેર એટલા માટે કરાયું છે કે જ્યાં સહાય બાકી રહી ગઈ હોય તે ખેડૂતોને પણ સહાય મળી રહે. તેમાં SDRFમાંથી ₹6429 કરોડ અને રાજ્ય સરકારના ફાળામાંથી ₹3886 કરોડની સહાય સામેલ છે.

16500થી વધુ ગામોમાં નુકસાન, 44 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત
કમોસમી વરસાદ અને માવઠાના કારણે સમગ્ર ગુજરાતમાં આશરે 16,500થી વધુ ગામોમાં નુકસાન નોંધાયું છે. આશરે 44 લાખ હેક્ટર જમીનમાં પાક બરબાદ થયો હોવાનું સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યું છે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે પિયત અને બિનપિયત બંને પ્રકારની જમીન ધરાવતા ખેડૂતોને સહાય આપવામાં આવશે. જો કોઈ ખેડૂત સહાય મેળવવામાં રહી ગયો હોય, તો તે ઓનલાઈન અથવા તાલુકા કચેરી મારફતે અરજી કરીને વળતર મેળવી શકે છે.

