Smart Street Lighting Gujarat: રાજ્ય સરકારની નવી પહેલ: સ્માર્ટ લાઇટિંગથી થશે વીજળીની મોટી બચત
Smart Street Lighting Gujarat: ગુજરાત રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ — મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતો — માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઊર્જા વિભાગે જાહેર માર્ગો પર વીજળીના વધતા ખર્ચને નિયંત્રિત કરવા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા હેઠળ હવે દરેક સંસ્થાએ સ્માર્ટ લાઇટિંગ સિસ્ટમ અમલમાં લાવવી ફરજિયાત રહેશે.
વીજ વ્યય પર રોક: સ્માર્ટ ટેકનોલોજીથી થશે નિયંત્રણ
છેલ્લાં કેટલાંક વર્ષોમાં જાહેર માર્ગો પર લાગેલી લાઇટોના વધતા વીજ વપરાશને કારણે ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. અનેક જગ્યાએ ટાઈમર સિસ્ટમ ખામીગ્રસ્ત હોવાના કારણે લાઇટો દિવસ દરમિયાન પણ ચાલુ રહે છે, જેના કારણે વીજળીનો મોટાપાયે વ્યય થાય છે. હવે આ બગાડને અટકાવવા ઊર્જા વિભાગે ટેકનોલોજી આધારિત ઉકેલ રજૂ કર્યો છે.

‘સ્ટ્રીટ લાઇટ એનર્જી એફિશિયન્સી એક્શન પ્લાન’ ફરજિયાત
ડિસેમ્બર 2025 પહેલાં દરેક સ્થાનિક સંસ્થાને પોતાનો ‘Street Light Energy Efficiency Action Plan’ તૈયાર કરી રજૂ કરવો રહેશે. ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA)ને થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટ દ્વારા દરેક વિસ્તારની વીજ બચતની તકોનું મૂલ્યાંકન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.
સૂર્યોદય-સૂર્યાસ્ત મુજબ ઓટોમેટિક લાઇટિંગ સિસ્ટમ
નવી માર્ગદર્શિકા અનુસાર, હવે દરેક વિસ્તારની લાઇટો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય મુજબ આપમેળે ચાલુ અને બંધ થશે. કુદરતી પ્રકાશ પૂરતો હોય ત્યારે લાઇટો બંધ રહેશે અને અંધારું વધે ત્યારે ઓટોમેટિક રીતે ચાલુ થશે. આ માટે સેન્સર આધારિત ઓટોમેશન સિસ્ટમ સ્થાપિત કરવાની ફરજ રહેશે, જેથી અનાવશ્યક વીજળીનો વપરાશ અટકે.
રાત્રિ દરમિયાન ડિમ લાઇટિંગ અને મોશન સેન્સર ફરજિયાત
સ્માર્ટ લાઇટિંગ હેઠળ રાત્રે 12થી 4 વાગ્યા દરમિયાન ડિમ લાઇટિંગ રાખવાની રહેશે. જો કોઈ વાહન કે વ્યક્તિ પસાર થાય તો મોશન સેન્સર આપમેળે લાઇટની તીવ્રતા વધારશે. ઊર્જા વિભાગના અનુમાન મુજબ, આ સિસ્ટમ અમલમાં લાવવાથી વીજળીનો વપરાશ 30થી 40 ટકા સુધી ઘટી શકે છે.

એલઈડી અને સૌર ઊર્જાને મળશે પ્રાથમિકતા
હાલમાં અનેક શહેરો અને ગામોમાં હજી પણ સોડિયમ વેપર તથા હેલોજન લાઇટો વપરાય છે. નવી યોજના અંતર્ગત હવે દરેક જગ્યાએ ઊર્જા કાર્યક્ષમ એલઈડી લાઇટ લગાડવી ફરજિયાત થશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને હાઇવે માર્ગો પર નવી લાઇટ લગાડતી વખતે સૌર ઊર્જા આધારિત એલઈડી સિસ્ટમને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.
સેન્ટ્રલાઇઝ્ડ રિમોટ મોનિટરિંગ સિસ્ટમથી સીધું નિયંત્રણ
બધી મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને હવે લાઇટિંગના નિયંત્રણ માટે સેન્ટ્રલાઇઝ્ડ રિમોટ મોનિટરિંગ સિસ્ટમ સ્થાપિત કરવાની રહેશે. આથી દરેક વિસ્તારની લાઇટની સ્થિતિનું મોનિટરિંગ થઈ શકશે. ઊર્જા વિભાગે આ સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (GEDA), ગાંધીનગરને સોંપ્યું છે.

