Gujarat Weather Forecast: વરસાદથી રાહત પછી રાજ્યમાં ઠંડીનું આગમન, ઉત્તરપૂર્વના પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો
Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકાશ નિરમેઘ અને શુષ્ક વાતાવરણ જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી હવે લોકોને રાહત મળી છે અને હવામાં ઠંડક પ્રસરી ગઈ છે. પવનની દિશામાં બદલાવ આવતા રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
સૌથી ઓછું તાપમાન વડોદરામાં નોંધાયું
રાજ્યના અનેક શહેરોમાં રાત્રિનો પારો ઘટી ગયો છે. વડોદરામાં સૌથી ઓછું 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. નલિયામાં 14.2, અમદાવાદમાં 15.3, રાજકોટમાં 15.5, દીવમાં 16.1, પોરબંદરમાં 16.7 અને સુરતમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં સરેરાશ 3 થી 4 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે, જ્યારે વડોદરામાં સૌથી વધુ 3.7 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદમાં ધૂમ્મસ અને ઠંડીનું વધતું પ્રમાણ
અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધૂમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું છે. છેલ્લા બે દિવસમાં તાપમાનમાં આશરે 3 ડિગ્રીનો ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ શહેરમાં ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે સવાર અને રાતના તાપમાનમાં તફાવત વધ્યો છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના તાજેતરના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સમગ્ર રાજ્યમાં ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો યથાવત રહેશે અને વાતાવરણ શુષ્ક રહેશે.
સૌરાષ્ટ્ર, દીવ, દમણ અને દાદરા-નગર હવેલી સહિત ક્યાંય વરસાદની શક્યતા નથી. એટલે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે.

