ગુજરાતમાં કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા એટલે તેની જુથીબંધીના વાડા. અનેક વાડાંઓમાં વહેચાયેલી કોંગ્રેસમાં કાર્યકરો ઓછા અને નેતાઓ વધુનો ઘાટ ઘડાયો છે. ત્યારે, વર્તમાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામેનો અસંતોષ સિનિયર નેતાઓમાં બહાર આવ્યો છે. પુર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના ઇસારે અમિત ચાવડા કોંગ્રેસ ચલાવી રહ્યાનો આક્ષેપ કૉંગ્રેસનો એક વર્ગ કરી રહ્યો છે. તાજેતરમાં કૉંગ્રેસના જાહેર કરવામાં આવેલા પ્રદેશ માળખામાં પક્ષના વરિષ્ઠ નેતાઓની અવગણના કરવામાં આવી છે. ખાસ લોબિંગને ધ્યાનમાં રાખીને પ્રદેશમાં નિમણૂંક કરવામાં આવ્યાનો કૉંગ્રેસના નેતાઓ દાવો કરી રહ્યા છે.
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ભરતસિંહ સોલંકી જૂથની સામે મોરચાબંધી કરતા અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. પુર્વ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના પુર્વ નેતા અર્જુન મોઢવાડીયાના નિવાસ સ્થાને કોંગ્રેસના સિનિયર નેતાઓએ મિટીંગ કરીને તેમની અવગણના સામે અવાજ ઉઠાવ્યો હતો. જોકે, આ મોરચાબંધી જાહેર થતાં કેન્દ્રિય મોવડીમંડળ પણ નારાજ થયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીને મળવા માટે નેતાઓએ વિચારણા કરી હતી, હવે આ તમામ નેતાઓ રાહુલ ગાંધીને મળવા માટે તજવીજ કરી રહ્યા છે.
જોકે, મીડિયા સાથેની વાતચીતમાં અર્જુન મોઢવાડીયાએ પક્ષમાં નારાજગીનો ઇન્કાર કર્યો હતો.. જણાવ્યું હતું કે, 2019ની લોકસભાની ચૂંટણીમાં પક્ષને મજબૂત કરવા માટે સિનિયર નેતાઓ મળ્યા હતા. જેમાં, ચોક્કસ નેતાઓને જ નિમંત્રણ આપવામાં આવ્યા હતા. આ મીટીંગમાં સિનિયર નેતા દિનશા પટેલ, નરેશ રાવલ, સિધ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી, અલ્પેશ ઠાકોર, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. પરંતું, આ આખુ પેપર અલ્પેશ ઠાકોરે ફોડી નાખતાં જણાવ્યું હતુ કે, સિનિયર આગેવાનોની અવહેલના પક્ષ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. સિનિયર નેતાઓની નારાજગી હોય તેને દુર કરવામાં આવે તે જરૂરી છે. આ માટે જ મિટિંગ મળી હતી.
કોંગ્રેસ વર્તુળો મુજબ સિનિયર નેતાઓ કોંગ્રેસના વર્તમાન માળખાથી સંતુષ્ટ નથી. લોકસભાની ચૂંટણીને 100 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓનો જમાવડો કોંગ્રેસના શ્વાસ અધ્ધર કરી શકે તેવું લાગે છે, હાલ કોંગ્રેસના કેટલાક નેતાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે અને પ્રદેશ કોંગ્રેસના નવા માળખામાં મનમાની કરવામાં આવી હોવાનો આક્ષેપ વારંવાર કરવામાં આવી રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસના માળખામાં વ્હાલા દવલાની નીતિ રાખવામાં આવી છે. જાતિય સમિકરણ કે યોગ્ય વર્ચસ્વ ધરાવતાં કાર્યકરોને સ્થાન આપવાના બદલે પોતાની લોબિંગના માણસોને સ્થાન આપવામાં આવતાં સ્થાનિક સ્તરે ઘણા કાર્યકરો પણ નારાજ છે. ત્યારે, લોકસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસનો આ ઉકળતો અસંતૃષ્ટિનો જવાળામુખી મોટી હાનિ કરે તેવી શક્યતા છે. તો, ભાજપ પણ આ તકનો લાભ લઇને કેટલા નેતાઓને તોડવામાં સફળ થાય છે તે જોવું રહ્યું.