(સૈયદ શકીલ દ્વારા): લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી તેમ તેમ ભાજપમાં સળવળાટ ઉભો થઈ રહ્યો છે. ખાસ કરીને 272ના મેજિક ફિગરને આંબવા માટે મહામંથન કરવામાં આવી રહ્યું છે અને કમાન સીધી વડાપ્રધાન મોદીએ હાથમાં લઈ લીધી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે જ ચાર રાજ્યોના સુકાનીને બદલી નાંખવા માટેનો તખ્તો તૈયાર થઈ ગયો હોવાનું કેન્દ્રીય ભાજપના વર્તુળો જણાવી રહ્યા છે.
દિલ્હીથી ભાજપના વિશ્વસનીય વર્તુળો જાણકારી આપી છે કે 11 અને 12મી જાન્યુઆરીએ ભાજપની રાષ્ટ્રીય કારોબારી મળી રહી છે. રાષ્ટ્રીય કારોબારીમાં લોકસભાની રણનીતિ તૈયાર કરવામાં આવશે અને ચૂંટણીનું બ્યુગલ ફૂંકવામાં આવશે. મહત્વની વાત એ છે વડાપ્રધાન મોદી માત્ર ગુજરાત જ નહીં પણ ગુજરાત સહિત ચાર રાજ્યોના સુકાનીને બદલી કાઢવાની વેતરણમાં છે.
ત્રણ રાજ્યોના વિધાનસભાના પરિણામોમાં કાર્યરત મુખ્યમંત્રીઓના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવી હતી અને ભાજપને હાર ખમવી પડી હતી.
પહેલી વાત ઝારખંડની કરીએ તો ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી રઘુવરદાસની કાર્યશૈલીથી ભાજપ હાઈકમાન્ડ ખુશ નથી. રાજ્યમાં 80 ટકા આદિવાસીઓ માટે મુખ્યમંત્રી દાસ દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા તેમની સામે ભાજપના નેતાઓએ નેગેટીવ રિપોર્ટ આપ્યો છે. રધુવર દાસની જગ્યાએ કારીયા મૂંડાને મુખ્યમંત્રી બનાવી શકાય એવી અટકળોએ ભાજપમાં જોર પકડ્યું છે.
હવે વાત કરીએ ઉત્તરાખંડની તો ઉત્તરાખંડમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ભારે રોષ વ્યાપી રહ્યો છે અને જો આવું જ ચાલ્યું તો 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને ધારેલી સીટો મળી શકે એમ નથી. ત્રિવેન્દ્રસિંહ રાવત ધાર્યા પરિણામો આપી શક્યા નથી. રાવતની સામે પહેલેથી ઉત્તરાખંડ ભાજપમાં છૂપો રોષ હતો તે હવે સપાટી પર આવી રહ્યો છે. રાવતને બદલીને ઉત્તરાખંડમાં નવા સુકાનીના નામ અંગે વિચારણા કરવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.
ગોવામાં મનોહર પરિકરના સ્વાસ્થ્યને લઈ પાછલા કેટલાક સમયથી મુખ્યમંત્રી બદલવાની વાત ચાલી રહી છે. અનેક દાવેદારો છે પરંતુ ભાજપ આ વખતે પરિકરની તબિયતને જોતાં તેમને સંપૂર્ણ આરામ આપશે અને તેમના સ્થાને મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના સુભાષ ગવલીકરને સીએમ બનાવી શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ગોવામાં ભાજપે અન્ય પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવી છે. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટી પાસે ચાર સીટ છે. જ્યારે શિવસેના અને એનસીપી પણ મહારાષ્ટ્ર ગોમાંતકને ટેકો આપી શકે છે તેવામાં ભાજપની 13 સીટ અને અન્ય પાર્ટીઓની સાથે મળીને ભાજપ સરકારનું ગાડું ગબડાવવાની વિચારણા કરી રહ્યું છે.
ગોવામાં મુખ્યમંત્રી તરીકે લક્ષ્મીકાંત પારસેકર પણ દાવેદાર છે પરંતુ તેઓ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા છતાં ભાજપ દ્વારા તેમના નામની પણ વિચારણા કરવામાં આવી રહી છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાયક સુદ્વાંને સબળ દાવેદાર માનવામાં આવે છે.
અંતે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો મામલો વાયબ્રન્ટ ગુજરાત સમિટ બાદ પહોંચી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની નિષ્ફળતાને લઈ ભાજપ હાઈકમાન્ડ ખાસ્સું નારાજ હોવાનું લાગી રહ્યું છે. વાયબ્રન્ટ ગુજરાત સમાપ્ત થયા બાદ ગુજરાતના સીએમ અંગે પણ અંતિમ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતા છે. મુખ્યંત્રી તરીકે નીતિન પટેલ પોતે, આરસી ફળદુ, કૌશિક પટેલ અને મનસુખ માંડવિયા ઉપરાંત અન્ય નામો પણ છે.
ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીને શો નિર્ણય કરવામાં આવે છે તેના પર સમગ્ર દેશની નજર રહેશે. ખાસ કરીને ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહના અત્યંત વિશ્વાસુ સીએમને બદલવાનો નિર્ણય કરવામાં આવે છે કે કેમ તેનાં પર સૌની મીટ મંડાયેલી રહેશે.