ગુજરાતમાં 182 વિધાનસભા ક્ષેત્રોમાં યોજાશે Sardar@150 Unity March
Sardar@150 Unity March: ગુજરાતમાં 2026ની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણી પૂર્વે ભાજપે પોતાના સંગઠનને ફરીથી તાકાતવર બનાવવા માટે મેદાન ગરમ કરી દીધું છે. અમદાવાદ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ‘Sardar@150 Unity March’ અંગે વિસ્તૃત રોડમેપ રજૂ કર્યો. તેમના સાથે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર@150 યુનિટી માર્ચનો હેતુ અને વ્યાપક આયોજન
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ યુનિટી માર્ચનું આયોજન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનો અને નવી પેઢી સુધી સરદાર પટેલના રાષ્ટ્રપ્રેમ, એકતા અને અખંડતાના મૂલ્યો પહોંચાડવાનો છે.
ગુજરાતમાં આ પદયાત્રા 182 વિધાનસભા વિસ્તારોમાં યોજાશે. દરેક વિસ્તારના ભાજપ કાર્યકરો, યુવા મોરચા અને મહિલા મોરચા સાથે મળીને સરદારના વિચારોને જનજન સુધી પહોંચાડશે.

અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનો સંદેશ
પ્રદેશ પ્રમુખે યાદ અપાવ્યું કે, આઝાદી બાદ 562 રજવાડાઓને એક કરવાની સિદ્ધિ કોઈ સામાન્ય બાબત નહોતી. સરદાર પટેલે જે રીતે દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો, તે માટે આખું ભારત ગૌરવ અનુભવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે જેમ પ્રધાનમંત્રી મોદીએ “વન નેશન, વન ટેક્સ”, “વન નેશન, વન પાવર ગ્રીડ” અને “વન નેશન, વન હેલ્થ ઇન્સ્યોરન્સ” જેવા વિચારોથી દેશને એકતાની દિશામાં આગળ ધપાવ્યો, તેમ હવે “વન નેશન, વન ઇલેક્શન” માટે કાર્ય ચાલી રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી: દેશની એકતાનું પ્રતિક
સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, આજે અખંડ ભારતના સ્વપ્નનું જીવંત પ્રતિક બની છે.
આ પ્રતિમાના નિર્માણમાં 1.80 લાખ ગામોના ખેડૂતોનું યોગદાન અને 18500 ટન લોખંડ સાથે 1700 ટન કાંસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ પદયાત્રામાં હર્ષ સંઘવી, મનસુખ માંડવીયા, નીમુબેન બાંભણીયા, રાજ્ય મંત્રીઓ, ધારાસભ્યો અને સંગઠનના અગ્રણીઓ પણ જોડાશે.

યાત્રાનો બીજો તબક્કો: કરમસદથી કેવડીયા સુધી
‘Sardar@150 Unity March’નો બીજો તબક્કો 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાશે.
આ 11 દિવસની પદયાત્રા કરમસદથી કેવડીયા સુધી 152 કિલોમીટર લંબાઈની રહેશે.
દરરોજ 400 થી 500 યુવાનો આ યાત્રામાં જોડાશે, જ્યારે કેન્દ્રીય મંત્રીઓ, મુખ્યમંત્રીઓ અને રાષ્ટ્રીય નેતાઓ પણ ભાગ લેશે.
આ માર્ચ માત્ર રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ એક એવી પ્રેરણાદાયી યાત્રા બનશે જે રાષ્ટ્રની એકતા અને યુવા ઉર્જાનું પ્રતીક બનશે.

