Rajkot wedding season 2025: રાજકોટમાં લગ્ન સીઝનનો ધમાકો: વેડિંગ ઈન્ડસ્ટ્રીમાં ફરી ચહલપહલ
Rajkot wedding season 2025: દેવદિવાળી પૂરી થયા બાદ સૌરાષ્ટ્રમાં સૌથી આતુરતાથી રાહ જોવાતો સમય — લગ્ન મોસમ શરૂ થયો છે. તુલસી વિવાહ બાદ શુભ મુહૂર્તોની શરૂઆત થતાં જ દરેક પરિવારમાં આનંદ અને તૈયારીઓનો માહોલ છવાઈ ગયો છે. દીકરી કે દીકરાના લગ્ન એટલે માત્ર પરિવારનો પ્રસંગ નહીં, પણ આખા સમાજ અને અનેક વ્યવસાયો માટે પણ ઉજવણીનો સમય.
વેડિંગ ઈન્ડસ્ટ્રીમાં ઉછાળો
લગ્ન મોસમ એટલે હજારો લોકો માટે રોજગારનો અવસર. ઇવેન્ટ પ્લાનર, કેટરર્સ, મંડપ ડેકોરેટર, ફોટોગ્રાફર, બ્યૂટી સર્વિસ, લાઇટ-સાઉન્ડ, ડીજે, ફૂલ સજાવટ કરનાર જેવા અનેક ક્ષેત્રોમાં ભારે ગતિવિધિ શરૂ થઈ ગઈ છે. એક લગ્ન પાછળ દર્જનો લોકોનો રોજગાર જોડાયેલો હોય છે, જેના કારણે વેડિંગ સીઝનને આર્થિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ સમયગાળો માનવામાં આવે છે.

આ વર્ષે 58 શુભ લગ્ન મુહૂર્ત
વિક્રમ સંવત 2082માં કુલ 58 શુભ લગ્ન મુહૂર્તો છે. કમુરતા પહેલાંના એક મહિનામાં જ આશરે 20 શુભ દિવસો ગણવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં અંદાજે 40 હજારથી વધુ લગ્ન બુક થયેલા હોવાનું અનુમાન છે.
જોકે, મંડપ સર્વિસ સંચાલકો જણાવે છે કે ગયા વર્ષની તુલનાએ લગ્નોની સંખ્યા લગભગ 20 ટકા ઓછી નોંધાઈ છે. છતાં શહેરના 120થી વધુ હોલ, બેંકવેટ, પાર્ટીપ્લોટ અને હોટેલો સંપૂર્ણ બુક થઈ ગયા છે. આ વર્ષે હવામાનમાં આવેલા અચાનક ફેરફારોને કારણે મોટા ભાગના લોકોએ ઓપન પાર્ટીપ્લોટ કરતાં ઇન્ડોર બેંકવેટ હોલ પસંદ કર્યા છે, જેથી વરસાદ કે ઠંડીથી કાર્યક્રમને અસર ન થાય.
ડેકોરેશન અને ટ્રેન્ડમાં ફેરફાર
રાજકોટના જાણીતા ડેકોરેશન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ વર્ષે લગ્નોની શૈલીમાં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. લોકો હવે “સિમ્પલ પણ સ્ટાઇલિશ” થીમ તરફ વળી રહ્યા છે.
મિરર વર્ક, ફાઇબર બેઝ્ડ ક્રિએટિવ થીમ, કલરફુલ રિફ્લેક્ટિવ આર્ટવર્ક અને ગ્લાસ લુક ડિઝાઇન આ વર્ષે સૌથી વધુ લોકપ્રિય છે. મોટાં ફેન્સી બેકડ્રોપને બદલે હવે લોકો સોફ્ટ લાઇટિંગ અને ક્લીન લુકવાળી સજાવટ પસંદ કરી રહ્યા છે.

ખર્ચમાં 25% સુધીનો વધારો
મંડપ એસોસિયેશનના પ્રમુખ જીતુભાઈ સાપરિયાના જણાવ્યા મુજબ, આ વર્ષે લગ્ન વ્યવસાયના તમામ ક્ષેત્રોમાં સરેરાશ 25 ટકા જેટલો ભાવ વધારો થયો છે. ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે. સાથે જ ફૂડ ગ્રેન, મસાલા, ટેન્ટ મટિરિયલ, ફાઇબર પ્રોડક્ટ્સ અને લાઇટ ફિટિંગ્સના ભાવમાં વધારો નોંધાતા કુલ બજેટ વધી ગયું છે. કેટરર્સ પણ ખોરાકના દરમાં વધારો સ્વીકારવા મજબૂર થયા છે.
લગ્ન સીઝન માત્ર આનંદનો પ્રસંગ નથી, પણ અર્થતંત્રને ચળકાવતો મહત્વનો સમયગાળો પણ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ વર્ષે લગ્નોના રંગ અને વ્યવસાયની ચહલપહલ બંનેનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

